T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 30 એપ્રિલે કરવામાં આવી હતી. જેમાં 15 ખેલાડીઓને પસંદ કરયા હતા. ટીમ સિલેક્શનથી અત્યાર સુધી 2 IPL મેચ રમાઈ છે, પરંતુ આ મેચોમાં વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. T20 વર્લ્ડ કપના કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પણ આ યાદીમાં સામેલ છે.
30મી એપ્રિલની વાત કરીએ, જે દિવસે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તે દિવસે લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ હતી. લખનૌએ આ મેચ 4 બોલ બાકી રહેતા 4 વિકેટે મેચ જીતી લીધી હતી. મેચમાં પ્રથમ રમતા મુંબઈએ 144 રન બનાવ્યા હતા. આ મેચમાં મુંબઈની ટીમમાંથી વર્લ્ડ કપ ટીમમાં સામેલ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહ મેચનો ભાગ હતા.
આ મેચમાં રોહિત માત્ર 5 બોલમાં 4 રન બનાવીને મોહસીન ખાનની બોલિંગ પર આઉટ થયો હતો. સૂર્યકુમાર પણ 6 બોલમાં 10 રન બનાવીને સ્ટોઈનિસના બોલ પર આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા વિશે શું કહેવું, તે આ મેચમાં પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. જસપ્રીત બુમરાહને કોઈ વિકેટ મળી ન હતી, પરંતુ તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 17 રન આપ્યા હતા. લખનઉ સુપર જાયન્ટ્સ ટીમમાંથી કોઈ ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા નથી.
1 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ હતી. આ મેચમાં શિવમ દુબે, ચેન્નાઈના રવિન્દ્ર જાડેજા અને પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય આ મેચમાં ફ્લોપ રહ્યા હતા. આ મેચમાં શિવમ દુબે 0 રને આઉટ થયો હતો, તો રવિન્દ્ર જાડેજા પણ માત્ર 4 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં રમવા આવેલા અર્શદીપ સિંહનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. તેણે 4 ઓવરના ક્વોટામાં 52 રન આપ્યા અને 1 વિકેટ લીધી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં પસંદ થયા બાદ આ ખેલાડીઓનું પ્રદર્શન નિરાશ થયું છે, પરંતુ આશા છે કે IPLની આગામી મેચોમાં આ ખેલાડીઓનું પ્રદર્શન સુધરશે.