પાકિસ્તાન ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકતું રહ્યું છે. પાડોશી દેશે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે. જો કે આ વખતે તેને એવો જવાબ મળ્યો કે તેની બોલતી બંધ થઈ ગઈ. ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા નિવેદનને નુકસાનકારક ગણાવ્યું હતું. તેમજ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા રૂચિરા કંબોજે કહ્યું કે તમામ પાસાઓ પર પાકિસ્તાનનો સૌથી વધુ શંકાસ્પદ ટ્રેક રેકોર્ડ છે.
તમને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન કાશ્મીર, નાગરિકતા (સંશોધન) અધિનિયમ અને રામ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને ભારત વિરુદ્ધ લાંબી ટિપ્પણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે આકરી પ્રતિક્રિયા આપી છે.
કંબોજે કહ્યું કે આતંકવાદ એ શાંતિની સંસ્કૃતિ અને તમામ ધર્મોના મુખ્ય ઉપદેશોનો સીધો વિરોધી છે જે કરુણા, સમજણ અને સહઅસ્તિત્વની હિમાયત કરે છે. તે વિખવાદના બીજ વાવે છે, દુશ્મનાવટ પેદા કરે છે અને વિશ્વભરમાં સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ અંતર્ગત આદર અને સંવાદિતાના સાર્વત્રિક મૂલ્યોને નબળી પાડે છે. જો સભ્ય દેશો ખરેખર શાંતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માંગતા હોય અને વિશ્વને એક સંયુક્ત કુટુંબ તરીકે જોવા માંગતા હોય, તો સક્રિયપણે સાથે મળીને કામ કરવું જરૂરી છે. મારા દેશને આ એકતામાં દ્રઢ વિશ્વાસ છે.”
કંબોજે કહ્યું કે જિયોપોલિટિકલ તણાવ અને અસમાન વિકાસને કારણે વિશ્વ મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે. “ધર્મ અથવા આસ્થાના આધારે વધતી અસહિષ્ણુતા, ભેદભાવ અને હિંસાને સંબોધવાની જરૂર છે. અમે ખાસ કરીને ચર્ચ, મઠો, ગુરુદ્વારા, મસ્જિદો અને મંદિરો સહિતના પવિત્ર સ્થળો પર વધતા હુમલાઓથી ચિંતિત છીએ. વૈશ્વિક સમુદાયે આવા કૃત્યો સામે ઝડપથી અને એકતાથી પ્રતિક્રિયા આપવી જોઈએ. કંબોજે યુએનજીએની બેઠકમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી દ્વારા પ્રસ્તાવિત અહિંસાનો સિદ્ધાંત શાંતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો આધાર છે.
ભારત માત્ર હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનું જન્મસ્થળ નથી, પરંતુ તે ઇસ્લામ, યહુદી, ખ્રિસ્તી અને પારસી ધર્મનું પણ જન્મસ્થળ છે. “તે ઐતિહાસિક રીતે એવા લોકો માટે આશ્રય રહ્યું છે જેમને ધર્મના આધારે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે.”
કંબોજે કહ્યું, “ભારતનું સાંસ્કૃતિક માળખું તેની નોંધપાત્ર ધાર્મિક અને ભાષાકીય વિવિધતા સાથે સહનશીલતા અને સહઅસ્તિત્વનું પ્રમાણપત્ર છે. દિવાળી, ઈદ અને ક્રિસમસ જેવા તહેવારો ધાર્મિક સીમાઓને ઓળંગે છે અને વિવિધ સમુદાયોના સહિયારા આનંદની ઉજવણી કરે છે.” ભારતે બાંગ્લાદેશની ‘ફોલોઈંગ અપ ધ પ્રોગ્રામ ઓફ એક્શન એન્ડ ડિક્લેરેશન ઓન એ કલ્ચર ઓફ પીસ’ ઠરાવ રજૂ કરવા બદલ પ્રશંસા કરી હતી.