Nipah virus: કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસે હાહાકાર મચાવ્યો છે. મલપ્પુરમ જિલ્લાના 14 વર્ષના છોકરામાં ચેપની પુષ્ટિ થઈ છે. નિપાહ સંક્રમણનો મામલો સામે આવ્યા બાદ કેરળ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. તેમજ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે પૂણે NIV (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી) એ છોકરામાં ચેપની પુષ્ટિ કરી છે. સગીર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તે વેન્ટિલેટર પર છે. ટૂંક સમયમાં તેને કોઝિકોડની સરકારી મેડિકલ કોલેજમાં શિફ્ટ કરવામાં આવશે. કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે, ઉચ્ચ જોખમી સંપર્કોને અલગ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
મંત્રીએ કહ્યું કે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. નિપાહ સંક્રમણ સંબંધિત પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે. આ સિવાય આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટર અને મલપ્પુરમ અને કોઝિકોડના જિલ્લા કલેક્ટર્સ સાથે બેઠક યોજીને કડક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય હોસ્પિટલ સ્ટાફ અને લોકોને માસ્ક પહેરવા માટે કહેવામાં આવ્યું છે.
સપ્ટેમ્બરમાં વાયરસ મળી આવ્યો હતો
સપ્ટેમ્બર 2023માં દક્ષિણ રાજ્ય કેરળમાં નિપાહ વાયરસના કેસ નોંધાયા હતા. જેમાં બે લોકોના મોત થયા હતા. કેરળનો કોઝિકોડ જિલ્લો ચેપ માટે સૌથી વધુ સંવેદનશીલ હતો. કેરળમાં સંક્રમણના ભયને જોતા આસપાસના રાજ્યોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ, ઓક્ટોબરમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ઉત્તર કોઝિકોડ જિલ્લાના મારુથોંકારામાંથી એકત્ર કરાયેલા ચામાચીડિયાના નમૂનાઓમાં નિપાહ વાયરસ એન્ટિબોડીઝની હાજરીની પુષ્ટિ કરી હતી.
આવા લક્ષણો વિશે સાવચેત રહો
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે દરેક વ્યક્તિએ નિપાહના જોખમો વિશે સાવચેત રહેવાની જરૂર છે. તેના લક્ષણો પર ગંભીર ધ્યાન આપો. ચેપગ્રસ્ત લોકોમાં શરૂઆતમાં ફ્લૂ જેવા લક્ષણો હોય છે. નિપાહ વાયરસ મુખ્યત્વે ફેફસાં અને મગજ પર હુમલો કરે છે. તેના લક્ષણો ઉધરસ અને ગળામાં દુખાવોથી લઈને ઝડપી શ્વાસ, તાવ, જઠરાંત્રિય સમસ્યાઓ જેવી કે ઉબકા અને ઉલટી સુધીની હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, તે એન્સેફાલીટીસ (મગજની બળતરા) નું કારણ બની શકે છે, જે કોમા અને મૃત્યુના જોખમને વધારવા માટે જાણીતું છે.