New Delhi: નવી દિલ્હીના ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G) ફેઝ-2ની પ્રગતિ પર રાઉન્ડટેબલ કોન્ફરન્સ અને SBM-G ફેઝ-3 પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના સ્વચ્છતા વિભાગ દ્વારા આયોજિત આ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ગુજરાતના ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિન્દ તોરવણે સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા.
આ પરિષદમાં ભારતના વિવિધ રાજ્યોમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ફેઝ-2 હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરવા ઉપરાંત SBM-Gના ફેઝ-3ના આયોજન અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ચર્ચા દરમિયાન વિવિધ પડકારો, તેના ઉકેલ અને અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ પરિષદમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ફેઝ-૨ હેઠળ થયેલી નોંધપાત્ર પ્રગતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને ખરા અર્થમાં સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં “સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G)”ની પ્રેરણા આપી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના અમલીકરણમાં ગુજરાત ટોચના રાજ્યો પૈકીનું એક બન્યું છે.
મંત્રી શ્રી પટેલે SBM-G હેઠળ ગુજરાતમાં થયેલી નોંધપાત્ર કામગીરીની વિગતો આપતા કહ્યું હતું કે, SBM-Gના ફેઝ-2 હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે ૪૪ લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાહી કચરાના વ્યવસ્થાપન હેઠળ રાજ્યમાં ૮,૦૦૦થી વધુ સામુદાયિક શૌચાલયો, ૫.૧૩ લાખથી વધુ વ્યક્તિગત સોક પીટ અને ૧.૩૬ લાખથી વધુ સામુદાયિક સોક પીટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે, ઘન કચરાના વ્યવસ્થાપન માટે રાજ્યના ૨૦,૨૬૦ ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના વાહનોની સુવિધા પૂરી પાડવા સાથે ૧૧,૭૪૦ સેગ્રીગેશન શેડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગોબરધન યોજના હેઠળ રાજ્યમાં ૧૧,૨૨૩ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, સ્વચ્છ ગામ-સ્વસ્થ ગામ, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અને નિર્મળ ગુજરાત જેવી અન્ય યોજનાઓ સાથે જોડીને પરિણામલક્ષી કામગીરી કરી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરેક ગામના ઈ-વ્હીકલને GPS સિસ્ટમ સાથે જોડવા માટે સુરત મહાનગરપાલિકા સાથે હાલમાં પાઇલટ બેઝ પર કામ ચાલી રહ્યું છે.
આ ઉપરાંત SBM-G હેઠળ ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે બનાવાયેલા બનાસકાંઠા જિલ્લાના વેડંચા મોડેલને CIPS અને FICCI એવોર્ડ તેમજ ગોબરધન યોજના માટે પણ ગુજરાતને FICCI તરફથી એવોર્ડ પ્રાપ્ત થયા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ફેઝ-૩ હેઠળ ગુજરાતના તથા ભારતના તમામ ગામોની સંપૂર્ણ સ્વચ્છતા સુનિશ્ચિત થશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પરિષદમાં ગુજરાતે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ હાથ ધરેલી શ્રેષ્ઠ પ્રણાલીઓની વિસ્તૃત માહિતી આપતી પુસ્તિકા સૌને અર્પણ કરવામાં આવી હતી. સાથે જ, ગુજરાતના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિન્દ તોરવણેએ SBM-G યોજનાની શ્રેષ્ઠ પ્રણાલીઓ પર એક સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.