દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો અને એરપોર્ટ બાદ હવે દિલ્હી યુનિવર્સિટીની કોલેજોને પણ બોમ્બની ધમકી મળી છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર ડીયુની લેડી શ્રી રામ કોલેજ અને શ્રી વેંકટેશ્વર કોલેજમાં બોમ્બ વિસ્ફોટના કોલ મળ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે કહ્યું કે તમામ કોલ ફેક છે અને ગભરાવાની જરૂર નથી.

તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં 7 માર્ચે DUની રામલાલ આનંદ કોલેજમાં પણ બોમ્બની ધમકી મળી હતી. આ પછી કોલેજમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના અંગે કોલેજ પ્રશાસને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. બદમાશોએ રામ લાલ આનંદ કોલેજના કર્મચારીઓને વોટ્સએપ કોલ કર્યો હતો.

આ મહિને શાળાઓ અને હોસ્પિટલોને પણ ધમકીઓ મળી છે

આ પહેલા 12 મેના રોજ દિલ્હીની ઘણી હોસ્પિટલોને બોમ્બની ધમકી મળી હતી. આ અંગે હોસ્પિટલોને ઈમેલ આવ્યો હતો. ત્યારબાદ, 14 મેના રોજ, દીપ ચંદ બંધુ હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ, હેડગેવાર હોસ્પિટલ અને અન્ય સહિત દિલ્હીની ઘણી હોસ્પિટલોને બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. 1 મેના રોજ દિલ્હી-એનસીઆરમાં 150 શાળાઓને બોમ્બની ધમકી મળી હતી, જેના કારણે દરેક જગ્યાએ ગભરાટ ફેલાયો હતો.