છેલ્લા દાયકામાં નેપાળનો વસ્તી વૃદ્ધિ દર પ્રતિ વર્ષ 0.92 ટકા રહ્યો છે
નેપાળની વસ્તી વૃદ્ધિ સતત ઘટી રહી છે. છેલ્લા દાયકામાં નેપાળનો વસ્તી વૃદ્ધિ દર પ્રતિ વર્ષ 0.92 ટકા રહ્યો છે. જે છેલ્લા 8 દાયકામાં સૌથી નીચો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)એ એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 80 વર્ષના આંકડાઓની સરખામણીમાં વસ્તી વૃદ્ધિ સૌથી નીચા સ્તરે છે.
NSOના ડાયરેક્ટર ધુંડી રાજ લામિછાણેએ જણાવ્યું કે, નેપાળની વસ્તી હાલમાં 292 મિલિયન છે. નેપાળની વસ્તીમાં એપ્રિલ 2011ના મધ્યથી અને મધ્ય એપ્રિલ 2021ની વચ્ચે 27 લાખનો વધારો થયો છે. નવા ડેટા અનુસાર, દેશની રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય 71.3 વર્ષ સુધી પહોંચી ગયું છે. સ્ત્રીનું આયુષ્ય 73.8 વર્ષ છે, જ્યારે પુરુષોનું આયુષ્ય 68.2 વર્ષ છે.
વસ્તી ગણતરી 1911થી સતત કરવામાં આવી રહી છે
છેલ્લા 4 દાયકામાં નેપાળીઓની સરેરાશ આયુષ્યમાં 21.5 વર્ષનો વધારો થયો છે. પ્રદેશ મુજબની વાત કરીએ તો નેપાળના કરનાલી પ્રાંતમાં રહેતા લોકોનું આયુષ્ય 72.5 વર્ષ છે, જે સૌથી વધુ છે. લુમ્બિની પ્રાંતમાં સૌથી ઓછું આયુષ્ય 69.5 વર્ષ છે. તેવી જ રીતે, હાલમાં નેપાળના શિશુ દરમાં ઘણો સુધારો થયો છે. 2021માં, બાળ મૃત્યુદર ઘટીને 17 પ્રતિ 1000 થયો હતો. 2011માં આ આંકડો પ્રતિ 1000 શિશુ દીઠ 40 હતો. નેપાળ 1911થી દર 10 વર્ષે રાષ્ટ્રીય વસ્તી ગણતરી કરે છે. આંકડા દર્શાવે છે કે નેપાળમાં વસ્તી પણ ધીમે ધીમે ઘટી રહી છે. જાપાન અને ચીનમાં પણ વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં એક બાળકની નીતિને કારણે વસ્તીમાં ઘટાડો થયો છે.
બાળ મૃત્યુ દરમાં સુધારો
નેપાળે બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ઘણું કામ કર્યું છે. તે 2011માં 40 પ્રતિ 1,000 થી ઘટીને 2021માં 17 પ્રતિ 1,000 થઈ ગયું છે. તે જ સમયે, પ્રજનન દર ઘટીને મહિલા દીઠ 1.94 થયો છે, જે પ્રતિ મહિલા 2.1 બાળકોના આંકડાથી નીચે આવ્યો છે. ડિલિવરીની સરેરાશ ઉંમર બદલાઇ છે, કરનાલી પ્રાંતમાં 26.9 વર્ષથી લઈને બાગમતી પ્રાંતમાં 28.4 વર્ષ સુધીની છે.