“National Bird” : નવા વર્ષમાં અમેરિકામાં બધું નવું થવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે, તો બીજી તરફ અમેરિકાએ પોતાના નવા રાષ્ટ્રીય પક્ષી તરીકે બાલ્ડ ઈગલની પસંદગી કરી છે.
અમેરિકાને નવા રાષ્ટ્રપતિની સાથે સાથે એક નવું રાષ્ટ્રીય પક્ષી પણ મળ્યું છે. મંગળવારે અમેરિકામાં 240 વર્ષથી વધુ સમયથી શક્તિનું પ્રતિક બનેલા ‘બાલ્ડ ઇગલ’ને દેશનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું હતું. તે ખૂબ જ શક્તિશાળી પક્ષી માનવામાં આવે છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા અમેરિકાને આ નવું રાષ્ટ્રીય પક્ષી મળ્યું છે.
તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી 2025ના રોજ નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. અગાઉ, વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને સંસદ દ્વારા તેમને મોકલવામાં આવેલા બિલ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ કોડમાં સુધારો કરીને બાલ્ડ ઇગલને રાષ્ટ્રીય પક્ષી તરીકે નામ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આટલા દાયકાઓથી અમેરિકામાં શક્તિનું પ્રતીક બનેલા સફેદ માથું, પીળી ચાંચ અને ભૂરા રંગના આ પક્ષીને વર્ષોની રાહ જોયા બાદ અપેક્ષિત સન્માન મળ્યું છે.