લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, NDAને બહુમતી મળ્યા બાદ હવે NDA ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ અંગેની તૈયારીઓ પર મંથન શરૂ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ તરફ હવે નવી કેબિનેટમાં ચહેરાઓને લઈને સાથી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર પણ તેજ બન્યો છે. બે-ત્રણ દિવસમાં નામો ફાઇનલ થાય તેવી શકયતા છે. ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાઈ જશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા અને દેશના પીએમ બન્યા. આ પહેલા આ રેકોર્ડ જવાહર લાલ નેહરુના નામે હતો. મોદી તેમના રેકોર્ડની બરાબરી કરશે.

દિલ્હીમાં આજે સાંજે 4 વાગ્યે NDAની બેઠક બોલાવવામાં આવી છે. જેડીયુના વડા નીતિશ કુમાર, ટીડીપી વડા એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય નેતાઓ આમાં ભાગ લેશે. એનડીએ સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાશે. જેમાં સરકારની રચના અને શપથ ગ્રહણની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે. જેડીયુના વડા નીતીશ કુમાર બુધવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ પણ બપોર સુધીમાં દિલ્હી પહોંચી શકે છે.