Massachusetts Institute of Technology એ ભારતીય મૂળના વિદ્યાર્થી પ્રહલાદ આયંગરને સસ્પેન્ડ કરી દીધા છે. MITએ આયંગરના કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આયંગરને ગયા વર્ષે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
યુએસ સ્થિત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)માં પીએચડી કરી રહેલા ભારતીય મૂળના વિદ્યાર્થીને પેલેસ્ટાઈન તરફી સક્રિયતાને કારણે જાન્યુઆરી 2026 સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભારતીય મૂળના વિદ્યાર્થીએ યુનિવર્સિટીના નિર્ણય સામે અપીલ કરી છે. સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીનું નામ પ્રહલાદ આયંગર છે. આયંગરે, કોલેજ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક નિબંધમાં, શાંતિવાદી વ્યૂહરચનાની ટીકા કરતા પેલેસ્ટાઈનના સંદર્ભમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ
આયંગરના નિબંધનું શીર્ષક ‘ઓન પેસિફિઝમ’ છે. આ નિબંધમાં પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈનનો લોગો પણ સામેલ છે, જેને યુએસ સરકાર આતંકવાદી સંગઠન માને છે. હિંસક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટેના આ નિબંધને ધ્યાનમાં લઈને MITએ આયંગરને કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. યુનિવર્સિટીનું માનવું છે કે નિબંધમાં વપરાયેલી ભાષા અને લોગોની હાજરી હિંસા ભડકાવે છે.
અગાઉ પણ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો
જોકે, પ્રહલાદ આયંગરે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમનો ઉદ્દેશ્ય માત્ર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો હતો અને તેઓ હિંસાને સમર્થન આપતા નથી. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે આયંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. ગયા વર્ષે પણ પેલેસ્ટાઈન તરફી દેખાવોને કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
શૈક્ષણિક કારકિર્દી પ્રભાવિત થશે
દરમિયાન, ‘એમઆઈટી કોએલિશન અગેઈન્સ્ટ રંગભેદ’ નામની સંસ્થાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના ફેલો પ્રહલાદ આયંગરને “જાન્યુઆરી 2026 સુધી સસ્પેન્ડ” કરવામાં આવ્યા છે. સંગઠને જણાવ્યું હતું કે સસ્પેન્શનના પરિણામે આયંગરની પાંચ વર્ષની NSF ફેલોશિપ સમાપ્ત થશે અને તેની શૈક્ષણિક કારકિર્દીને અસર થશે.