પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં પાટા પર ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળથી તેજ ગતિએ આવી રહેલી એક માલગાડીએ જોરદાર ટક્કર મારતા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NJP થી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડી ક્રોસ કર્યા બાદ રંગપાનીર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી.

આ દુર્ઘટનામાં ટ્રેનની પાછળની ત્રણ બોગીને ભારે નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર મુસાફરોના મોત થયા છે. રેલ્વે તરફથી મળેલી માહિતી મુજબ રંગપાની અને નિજાબારી વચ્ચે કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે.

આ ઘટના પર સીએમ મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું છે. મમતાએ લખ્યું છે કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને તે આઘાતમાં છે. જોકે વિગતોની રાહ જોવાઈ રહી છે. કંચનજંગા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. બચાવ અને તબીબી સહાય માટે ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

આ દુર્ઘટનામાં 10થી 15 લોકોના મોત થવાની આશંકા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કટિહાર રેલ્વે ડિવિઝનના ડીઆરએમએ ફોન પર અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે એનજીપી અને કટિહારથી બચાવ ટીમ રવાના કરવામાં આવી છે. અકસ્માત બાદ કિશનગંજ ગૌહાટી રેલ્વે માર્ગ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.