Madhya Pradesh: મધ્યપ્રદેશના જબલપુરથી સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે આ ઘટના સવારે લગભગ 5.50 વાગ્યે બની હતી. તે સમયે ટ્રેન પ્લેટફોર્મ પર જવાની હતી.

ઘટના પ્લેટફોર્મ 6 પર બની હતી
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ટ્રેન પ્લેટફોર્મથી લગભગ 200 મીટર દૂર હતી. અકસ્માત બાદ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. માહિતી મળતા જ પશ્ચિમ મધ્ય રેલવેના જનરલ મેનેજર શોભના બંદોપાધ્યાય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેન પ્લેટફોર્મ નંબર 6 પર આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. તે સમયે ટ્રેનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક હતી. વધુ તપાસ હાથ ધરી છે.

CPRO હર્ષિત શ્રીવાસ્તવે જવાબ આપ્યો
પશ્ચિમ મધ્ય રેલવેના CPRO હર્ષિત શ્રીવાસ્તવ કહે છે, ‘ટ્રેન ઈન્દોરથી આવી રહી હતી. જ્યારે તે જબલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 તરફ જઈ રહી હતી ત્યારે ટ્રેન ધીમી ગતિએ આગળ વધી રહી હતી અને બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના સવારે 5.50 વાગ્યાની આસપાસ બની હતી. તે પ્લેટફોર્મથી લગભગ 150 મીટરના અંતરે પાટા પરથી ઉતરી ગયું હતું.