Made in India: ભારતે સ્વદેશી મેન-પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ રાજસ્થાનના જેસલમેર સ્થિત ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યું હતું. માઉન્ટેડ લોન્ચરથી છોડવામાં આવેલી મિસાઈલે લક્ષ્યને નષ્ટ કરી દીધું. આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા બનાવવામાં આવી છે. આ મિસાઈલને ખભા પર રાખીને પણ ફાયર કરી શકાય છે.
નવી ‘મેડ ઈન ઈન્ડિયા’ MPATGM એક પોર્ટેબલ મિસાઈલ સિસ્ટમ છે. ડીઆરડીઓએ તેને દુશ્મન ટેન્કો અને બખ્તરબંધ વાહનોને નિષ્ક્રિય કરવા માટે ડિઝાઇન કર્યું છે. તે દિવસે કે રાત્રે કોઈપણ સમયે ફાયર થઈ શકે છે. આ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ટોપ એટેક ક્ષમતાથી સજ્જ છે અને તેમાં ડ્યુઅલ મોડ સીકર કાર્યક્ષમતા પણ છે.
અહેવાલો અનુસાર, મિસાઇલનું સફળ પરીક્ષણ 14 એપ્રિલે કરવામાં આવ્યું હતું. સમગ્ર સિસ્ટમમાં MPATGM, ટાર્ગેટ એક્વિઝિશન સિસ્ટમ અને ફાયર કંટ્રોલ યુનિટનો સમાવેશ થાય છે. પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં પરીક્ષણ દરમિયાન, મિસાઈલે લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કર્યું.
શું છે આ મિસાઈલની ખાસિયત?
MPATGM ત્રીજી પેઢીની ટેન્ક વિરોધી માર્ગદર્શિત મિસાઇલો છે. તે ચાર ફિન્સ સાથે હળવા, સિલિન્ડર આકારની મિસાઇલ છે. મિસાઈલ અત્યંત વિસ્ફોટક એન્ટી ટેન્ક (HEAT) ચાર્જ્ડ વોરહેડથી સજ્જ છે. અગાઉ એમપી-એટીજીએમ ટ્રાઇપોડથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જે લોન્ચરનું હાલમાં જ પરીક્ષણ કરવામાં આવ્યું છે તેને ખભા પર રાખીને ફાયર કરી શકાય છે. લગભગ 15 કિલો વજન ધરાવતી આ મિસાઈલની રેન્જ 200 મીટરથી લઈને 4 કિલોમીટર સુધીની હોઈ શકે છે.