ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં અવિરત વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને 1,500 થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. ગુરુવારે મંગન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ડઝનેક કચ્છી અને પાકાં મકાનો ધરાશાયી થયાં હતાં. આમાં 5 લોકોના મોત થયા છે જ્યારે અન્ય ત્રણ લોકો લાપતા છે. એકની સારવાર ચાલી રહી છે.
ગત વર્ષના પૂરથી ક્ષતિગ્રસ્ત થયેલો નવો બનેલો સાંગકલાંગ બ્રિજ ગુરુવારે બપોરે ફરી ધોવાઈ ગયો હતો. જેના કારણે દેશના વિવિધ ભાગોમાંથી 1500 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના પર્યટન સ્થળો લાચુન અને ચુંગથાંગમાં ટવાઈ ગયા છે. જોકે રાહતની વાત એ છે કે, તેઓ જોખમમાં નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે,ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને ઘરો ડૂબી ગયા હતા અને નુકસાન થયું હતું.
આ તરફ અરુણાચલ પ્રદેશમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ ગયા હતા. જોકે આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ તેઓ સિક્કિમ પાછા ફર્યા. કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે તિસ્તા નદીનું જળસ્તર વધી રહ્યું છે. દરમિયાન બુધવારે મોડી રાતથી ભારે વરસાદ શરૂ થયો હતો. વહેતી તિસ્તાને કારણે કાંઠે આવેલા શહેરો અને ગામડાઓમાં નુકસાનના અહેવાલો છે.
મંગનથી ગંગટોકને જોડતા મુખ્ય માર્ગ સહિત અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ઉત્તર સિક્કિમ રાજધાની ગંગટોક અને દેશના બાકીના ભાગોથી કપાઈ ગયું છે. તિસ્તા નદીના કિનારે સ્થિત મંગન, ડિકચુ, સિંગતમ અને રંગપો બજારના રહેવાસીઓ ઊંચા સ્થળોએ આશ્રય લઈ રહ્યા છે. પડોશી રાજ્ય બંગાળના તિસ્તા બજાર વિસ્તારમાં પણ પૂર જેવી સ્થિતિ છે. તિસ્તા બજારમાં પાણીનું સ્તર વધવાને કારણે નેશનલ હાઈવે 10 પરનો ટ્રાફિક ધીમો પડી ગયો છે.આ તરફ રાજ્ય સરકારે રાહત, બચાવ અને નુકસાનના આકલન માટે અધિકારીઓની એક ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી છે. આ ટીમોમાં વન વિભાગ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ અને પંચાયતના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર સિક્કિમમાં કોઈ મોબાઈલ નેટવર્ક કામ કરતું નથી. જેના કારણે કોમ્યુનિકેશનની સમસ્યા ઉભી થઈ રહી છે.