Karnataka: કર્ણાટકના હાસન જિલ્લામાં શુક્રવારે રાત્રે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન એક ભયાનક અકસ્માત થયો. એક ટ્રક ભક્તોની ભીડ પર અથડાઈ ગઈ. જેમાં આઠ લોકોના મોત અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
ગણેશ ચતુર્થીના છેલ્લા દિવસે રાત્રે લગભગ 8:45 વાગ્યે હસન જિલ્લાના હોસાહલ્લી ગામમાં આ ઘટના બની હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકોમાં મોટાભાગના નાના છોકરાઓનો સમાવેશ થાય છે. બધા ઘાયલોને હસનની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અરકલગુડથી આવી રહેલો ટ્રક અચાનક નિયંત્રણ બહાર ગયો અને શોભાયાત્રામાં ઘુસી ગયો. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, તેઓ ટ્રકના પૈડા નીચે આવી ગયા.
કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામીએ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, હોસાહલ્લીમાં ગણપતિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન આ દુ:ખદ અકસ્માતના સમાચાર સાંભળીને હું આઘાત પામ્યો છું. આમાં ઘણા ભક્તોએ જીવ ગુમાવ્યા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. તેમણે રાજ્ય સરકારને તમામ ઘાયલોને મફત સારવાર આપવાની પણ અપીલ કરી.