Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ અથડામણમાં બે જવાન શહીદ થયા છે જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં અહલાન ગાડોલેમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે આતંકવાદીઓએ સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યો ત્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, જેના કારણે એન્કાઉન્ટર થયું.

અનંતનાગમાં આ ચાલુ એન્કાઉન્ટરને જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના મહિનાઓમાં થયેલા આતંકવાદી હુમલાના સિલસિલાના રૂપમાં જોવામાં આવે છે. લગભગ બે અઠવાડિયા પહેલા, સેનાએ કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT) દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને મેજર રેન્કના અધિકારી સહિત ચાર અન્ય ઘાયલ થયા હતા.

આ પહેલા ડોડા જિલ્લામાં પણ આતંકીઓ સાથે અથડામણ થઈ હતી જેમાં એક અધિકારી અને એક પોલીસકર્મી સહિત સેનાના ચાર જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી જૂથ ‘કાશ્મીર ટાઈગર્સ’ દ્વારા લેવામાં આવી હતી. આ હુમલાઓએ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને વધુ જટિલ બનાવી છે અને સુરક્ષા દળો સામે પડકારો ઉભા કર્યા છે.