Terrorist: જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરના નાપાક કાવતરાનો પર્દાફાશ થયો છે. મસૂદ અઝહરે મહિલા આતંકવાદીઓની એક અલગ બ્રિગેડ બનાવી છે, જેનું નામ જમાત-ઉલ-મોમિનત છે. તેણે વૈશ્વિક જેહાદ માટે નવી રચાયેલી મહિલા આતંકવાદી બ્રિગેડને અપીલ કરી છે. બહાવલપુરમાં મરકઝ ઉસ્માન-ઓ-અલી ખાતે તાજેતરમાં આપેલા ભાષણમાં, અઝહરે નવી મહિલા પાંખની તાલીમ અને તૈનાતીની વિગતો શેર કરી.

પોતાના સંબોધનમાં, અઝહરે જણાવ્યું હતું કે જૈશના પુરુષ મુજાહિદ્દીન મહિલા પાંખની સાથે ઉભા રહેશે, જે વિશ્વભરમાં ઇસ્લામ ફેલાવવાનું કામ કરશે. અઝહરે મહિલા આતંકવાદીઓ માટે દૌરા-એ-તસ્કિયા નામનો એક નવો અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કો પૂર્ણ કરનારી મહિલાઓ બીજા તબક્કા, દૌરા-એ-આયાત-ઉલ-નિસામાં આગળ વધશે, જ્યાં તેમને શીખવવામાં આવશે કે ઇસ્લામિક શાસ્ત્રો મહિલાઓને જેહાદ કરવાનો આદેશ કેવી રીતે આપે છે.

‘જમાત-ઉલ-મોમિનતમાં જોડાનાર મહિલાઓ સ્વર્ગમાં જશે.’

પોતાના ભાષણમાં, અઝહરને એમ કહેતા સાંભળી શકાય છે કે જમાત-ઉલ-મોમિનતમાં જોડાનાર મહિલાઓ મૃત્યુ પછી તેમની કબરોમાંથી સીધી સ્વર્ગમાં જશે. છેલ્લા બે દાયકાથી, જૈશ-એ-મોહમ્મદ પુરુષોનું મગજ ધોવા માટે દૌરા-એ-તરબિયત નામનો કોર્ષ ચલાવે છે. હવે, મહિલાઓ માટે પણ આ જ પ્રક્રિયા લાગુ કરવામાં આવશે.

પાકિસ્તાનના દરેક જિલ્લામાં શાખાઓ સ્થાપિત કરવામાં આવશે. અઝહરે જાહેરાત કરી છે કે પાકિસ્તાનના દરેક જિલ્લામાં જૈશની મહિલા બ્રિગેડ, જમાત-ઉલ-મોમિનતની શાખાઓ સ્થાપિત કરવામાં આવશે. આ શાખાઓનું નેતૃત્વ એક જિલ્લા મેનેજર કરશે જે મહિલાઓની ભરતીનું નિરીક્ષણ કરશે. બ્રિગેડમાં મહિલાઓને તેમના પતિ અથવા પરિવારના સભ્યો સિવાય કોઈપણ અજાણ્યા પુરુષ સભ્યનો ફોન કે મેસેન્જર દ્વારા સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

કોર્ષ 500 પાકિસ્તાની રૂપિયામાં ઓફર કરવામાં આવી રહ્યો છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, 8 નવેમ્બરથી શરૂ થનારા આ કોર્ષમાં દરરોજ 40 મિનિટના ઓનલાઈન વર્ગો હશે. આ વર્ગો મસૂદ અઝહરની બે બહેનો – સાદિયા અઝહર અને સમૈરા અઝહર દ્વારા ચલાવવામાં આવશે. આ વર્ગો દ્વારા, જૈશ મહિલાઓને ઇસ્લામ અને જેહાદમાં તેમની ભૂમિકા સમજાવવાનો હેતુ ધરાવે છે. આ કોર્ષ માટે દરેક મહિલા પાસેથી 500 પાકિસ્તાની રૂપિયા લેવામાં આવી રહ્યા છે. આ પૈસા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાશે. ભાગ લેનારાઓને ઓનલાઈન ફોર્મ ભરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. જૈશે તેની બ્રિગેડ જમાત ઉલ-મુમિનતની કમાન મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહરને સોંપી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુરમાં ભારતીય વાયુસેનાના હુમલામાં સાદિયાનો પતિ યુસુફ અઝહર માર્યો ગયો હતો. મસૂદ અઝહર તેની બીજી બહેન સાફિયા અને પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ઉમર ફારૂકની પત્ની આફરીરા ફારૂકને પણ આ કાર્યમાં સામેલ કરી છે. ઓનલાઈન ભરતીનો હેતુ: રૂઢિચુસ્ત વિચારસરણીને કારણે, પાકિસ્તાની સમાજમાં મહિલાઓ માટે જાતે બહાર નીકળવું અસામાન્ય માનવામાં આવે છે. આ માનસિકતાનો લાભ લઈને, જૈશ-એ-મોહમ્મદ હવે મહિલા આતંકવાદી બ્રિગેડ બનાવવા માટે ઓનલાઈન મહિલાઓની ભરતી કરી રહ્યું છે. સુરક્ષા નિષ્ણાતો માને છે કે આ બ્રિગેડનો ઉપયોગ ભવિષ્યમાં ISIS અથવા હમાસની જેમ આત્મઘાતી હુમલાઓમાં થઈ શકે છે.