Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુદ્ધની સૌથી વધુ અસર ગાઝામાં જોવા મળી છે. ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 44 હજારથી વધુ લોકોના મોત થયા છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 13 મહિના સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં મૃત્યુઆંક 44,000ને વટાવી ગયો છે. પેલેસ્ટાઈનના સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ ગુરુવારે આ અંગેની માહિતી આપી હતી. ગાઝા આરોગ્ય મંત્રાલય તેની ગણતરીમાં નાગરિકો અને લડવૈયાઓ વચ્ચે ભેદ પાડતું નથી, પરંતુ જણાવ્યું છે કે મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો હતા. ઈઝરાયેલી સેનાએ કોઈ પુરાવા આપ્યા વિના કહ્યું છે કે તેણે 17,000થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

હજારો લોકો કાટમાળ નીચે દટાયા

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 44,056 લોકો માર્યા ગયા છે અને 104,268 ઘાયલ થયા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક મૃત્યુઆંક વધારે છે કારણ કે હજારો મૃતદેહો કાટમાળ હેઠળ અથવા એવા વિસ્તારોમાં દટાયેલા છે જ્યાં ડોક્ટરો પહોંચી શકતા નથી. ગાઝામાં સ્થિતિ એવી છે કે લોકોને ભોજન અને પાણી પણ નથી મળી રહ્યું. લાખો લોકો વિસ્થાપિત પણ થયા છે.

હમાસે આતંકી હુમલો કર્યો હતો

બંને પક્ષો વચ્ચે યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હમાસની આગેવાની હેઠળના આતંકવાદીઓએ 7 ઓક્ટોબર, 2023 ના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો શરૂ કર્યો, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા. આ સમય દરમિયાન, હમાસ લડવૈયાઓએ 250 લોકોનું અપહરણ કર્યું હતું, જેમાંથી લગભગ 100 લોકો હજુ પણ ગાઝામાં બંધક છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમાંથી ઓછામાં ઓછા એક તૃતીયાંશ લોકો મૃત્યુ પામ્યા છે.