અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ‘લિવ-ઈન રિલેશનશિપ’ને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. બેન્ચે કહ્યું છે કે ઇસ્લામ ધર્મનું પાલન કરનાર વ્યક્તિને તેની પત્ની જીવિત હોય ત્યારે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનો અધિકાર નથી. બેન્ચે બુધવારે કહ્યું, “ઇસ્લામિક માન્યતા મુસ્લિમ પુરુષને બીજી સ્ત્રી સાથે રહેવાની મંજૂરી આપતી નથી જ્યારે તેના લગ્ન ચાલુ હોય. જો બે વ્યક્તિ અપરિણીત હોય અને પુખ્ત હોય તો તેઓ પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું પસંદ કરે છે.”
જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ અજય કુમાર શ્રીવાસ્તવની બેન્ચે બહરાઈચ જિલ્લાના વતની અરજદાર સ્નેહા દેવી અને પરિણીત મુસ્લિમ વ્યક્તિ મુહમ્મદ શાદાબ ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. અરજદારોએ આ કેસમાં નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની અને લિવ-ઈન રિલેશનશિપમાં હોય ત્યારે રક્ષણની માગણી કરી હતી. જોકે, કોર્ટે સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો.
અરજીકર્તાઓએ દાવો કર્યો હતો કે તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં હતા. પરંતુ છોકરીના માતા-પિતાએ શાદાબ ખાન વિરુદ્ધ તેમની પુત્રીનું અપહરણ કરવા અને તેની સાથે લગ્ન કરવા માટે પ્રેરિત કરવા બદલ FIR નોંધાવી હતી. અરજદારોએ પોલીસ સુરક્ષાની માંગ કરતા કહ્યું કે તેઓ પુખ્ત વયના છે અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા માટે સ્વતંત્ર છે.
પૂછપરછ દરમિયાન બેંચને જાણવા મળ્યું કે ખાનના વર્ષ 2020માં ફરીદા ખાતૂન સાથે લગ્ન થઈ ચૂક્યા છે અને તેમને એક પુત્રી પણ છે. આ હકીકતને ધ્યાનમાં લેતા કોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે તેમને પોલીસ સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો. તેના બદલે, બેન્ચે કહ્યું કે ઇસ્લામ ધર્મ આવા સંબંધની પરવાનગી આપતો નથી.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રિવાજો અને પરંપરાઓ પણ કાયદા માટે સમાન છે. બંધારણની કલમ 21 એવા સંબંધના અધિકારને માન્યતા આપતી નથી જે રિવાજો અને પરંપરાઓ દ્વારા પ્રતિબંધિત છે. આ અવલોકનો સાથે કોર્ટે પોલીસને અરજદાર સ્નેહા દેવીને સુરક્ષા હેઠળ તેના માતાપિતાને પરત કરવાનો નિર્દેશ આપ્યો.