International Criminal Court : ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગુરુવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ માટે યુદ્ધ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ગુરુવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ અને હમાસના અધિકારીઓ સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આમાં તેના પર ગાઝામાં યુદ્ધ અને ઓક્ટોબર 2023ના હુમલાને લઈને યુદ્ધ અપરાધ અને માનવતા વિરુદ્ધ અપરાધોનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઑક્ટોબર 2023માં ઇઝરાયેલ પર થયેલા હુમલા બાદ પેલેસ્ટિનિયન પ્રદેશો પર ઇઝરાયેલનો હુમલો શરૂ થયો હતો. આ સંઘર્ષમાં હમાસના અનેક અધિકારીઓ માર્યા ગયા છે.
શું થશે અસર?
ICCના આ નિર્ણયથી નેતન્યાહૂ અને અન્યો આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ શકમંદ બની ગયા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના આ પગલાથી 13 મહિનાથી ચાલેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામની વાટાઘાટોના પ્રયાસો જટિલ થવાની અપેક્ષા છે. જો કે, તેની વ્યવહારિક અસરો મર્યાદિત હોઈ શકે છે કારણ કે ઈઝરાયેલ અને તેના મુખ્ય સાથી યુએસ આઈસીસીના સભ્યો નથી.
અમેરિકાએ શું કહ્યું?
નેતન્યાહુ અને અન્ય ઇઝરાયેલી નેતાઓએ ICC ચીફ પ્રોસીક્યુટર કરીમ ખાનની વોરંટ માટેની વિનંતીની નિંદા કરી છે, તેને અત્યાચારી અને સેમિટિક વિરોધી ગણાવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ ફરિયાદીની નિંદા કરી હતી અને હમાસ સામે પોતાનો બચાવ કરવાના ઇઝરાયેલના અધિકારને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 13 મહિના સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં મૃત્યુઆંક 44,000ને પાર થઈ ગયો છે.