દિલ્હીની એક ડઝનથી વધુ શાળાઓમાં બોમ્બ હોવાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. આ શાળાઓમાં સ્નિફર ડોગ્સની મદદથી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.
દેશની રાજધાની દિલ્હીમાં એક સાથે અનેક શાળાઓમાં બોમ્બ મુકવામાં આવ્યા હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. શાળાઓમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું હતું અને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ માટે સ્નિફર ડોગની પણ મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પ્રશાસને બુધવારે તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. આ દરમિયાન, જે શાળાઓમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સંબંધિત શાળા પરિસરને સુરક્ષા કોર્ડન હેઠળ લેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસની સાથે ફાયર વિભાગને પણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
દેશની રાજધાની દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બની ધમકીનો ઈ-મેલ મળ્યા બાદ તમામ શાળાઓને બંધ જાહેર કરી દેવામાં આવી છે. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો દ્વારા શાળાઓમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીના ચાણક્યપુરીમાં આવેલી સંસ્કૃતિ સ્કૂલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નવી દિલ્હી જિલ્લાના ડીસીપી દેવેશ મહાલાએ કહ્યું કે, સાવચેતી અને તકેદારીના ભાગરૂપે, તમામ શાળાઓમાં ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હજુ સુધી ક્યાંય કશું મળ્યું નથી. ઉચ્ચ પોલીસ અધિકારીએ બાળકો અને વાલીઓને ચિંતા ન કરવાની અપીલ કરી છે.