state: ક્રિસમસ બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 26 થી 28 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પછી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં આકરો શિયાળો છે. આજે સવારે દિલ્હી અને નોઈડા સહિત NCRમાં ધુમ્મસનું પાતળું પડ જોવા મળ્યું હતું. દિલ્હીના ઈન્ડિયા ગેટ પર લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઝરમર વરસાદને કારણે આગામી 24 કલાક દરમિયાન દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.

આ રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી વરસાદ પડશે

તે જ સમયે, હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હરિયાણા જેવા રાજ્યોમાં આગામી સાત દિવસમાં તીવ્ર ઠંડીની સ્થિતિ વધુ વણસી શકે છે. IMDએ હિમાચલ પ્રદેશના ઉના, હમીરપુર, બિલાસપુર અને મંડી જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આગામી થોડા દિવસો દરમિયાન હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબમાં ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ અને હળવો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે તમિલનાડુમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કરાઈકલમાં અને 25 અને 26 ડિસેમ્બરે ભારે વરસાદની સંભાવના છે.

કાશ્મીરમાં પાણીની પાઈપો અને નદીઓ થીજી ગઈ છે

જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે ઠંડી છે. કાશ્મીર અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં પાણીની પાઈપો જામી ગઈ છે અને નદીનું પાણી બરફમાં ફેરવાઈ જવાને કારણે હાઈડ્રોપાવર ઉત્પાદન ખોરવાઈ ગયું છે. કાશ્મીર ઘાટી અને લદ્દાખમાં હિમવર્ષા થઈ છે. ખીણમાં તાપમાન માઈનસ 24 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને સિક્કિમમાં નવેસરથી હિમવર્ષા થઈ શકે છે.

અહીં ગાઢ ધુમ્મસ પડી રહ્યું છે

હવામાન વિભાગે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. મેઘાલયના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. અહીં વિઝિબિલિટી 50 મીટર સુધી રહી હતી. મેઘાલયના બારાપાનીમાં 40 મીટર, બિહારના પૂર્ણિયામાં 50, રાજસ્થાનના ઉદયપુરમાં 93, ચુરુમાં 92, હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં 100 મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી.