Baba Ramdev: કાવડ યાત્રાના રૂટ પર આવેલી દુકાનો પર નેમપ્લેટ લગાવવાના યુપી અને ઉત્તરાખંડ સરકારના નિર્ણય પર ભારે રાજકારણ ચાલી રહ્યું છે. દરમિયાન યોગ ગુરુ રામદેવે ભાજપ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. રામદેવે કહ્યું કે દરેકને તેમના નામ પર ગર્વ હોવો જોઈએ. તેમણે કહ્યું કે, જો રામદેવને પોતાની ઓળખ જાહેર કરવામાં કોઈ વાંધો નથી તો રહેમાનને શું સમસ્યા છે?

રામદેવે રવિવારે કહ્યું, દરેકને તેમના નામ પર ગર્વ હોવો જોઈએ. તમારું નામ છુપાવવાની જરૂર નથી. તમારે ફક્ત તમારા કામમાં શુદ્ધતા લાવવાની જરૂર છે. જો આપણું કામ ચોખ્ખું હોય તો આપણે હિંદુ કે મુસ્લિમ હોઈએ તેનાથી કોઈ ફરક પડતો નથી. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડ અને યુપી સરકારના આદેશ બાદ હવે ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશને પણ દુકાનદારોને તેમની નેમપ્લેટ લગાવવા માટે કહ્યું છે. ઉજ્જૈનના મેયર મુકેશ તટવાલે કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરનારા પર 2000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ હજુ પણ નિયમોનું પાલન નહીં કરે તો 5000 રૂપિયાનો દંડ થશે.

તેમણે કહ્યું, ઉજ્જૈન એક ધાર્મિક નગરી છે અને અહીં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. તેમને ખબર હોવી જોઈએ કે તેઓ કયા દુકાનદાર પાસેથી સેવા લઈ રહ્યા છે. જો કોઈ ગ્રાહક છેતરાય છે તો તેણે દુકાનદાર વિશે જાણવું જોઈએ જેથી તે ફરિયાદ કરી શકે. વિપક્ષ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યો છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે રાજકીય પક્ષો દેશના ભાગલા પાડવા અને મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

CPI(M)ના નેતા બ્રિન્દા કરાતે પણ યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, યુપી સરકાર બંધારણની વિરુદ્ધ કામ કરી રહી છે. આવી સ્થિતિમાં સમગ્ર સમુદાય પર અત્યાચાર થઈ રહ્યો છે. તેઓ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જર્મનીમાં નાઝીઓ પણ આવી જ વસ્તુઓ કરતા હતા. હું તેની નિંદા કરું છું. જ્યારે પશ્ચિમ બંગાળમાં બીજેપી ચીફ સુકાંત મજુમદારે કહ્યું કે મુલાયમ અને અખિલેશ સરકાર દરમિયાન આવી નોટિફિકેશન જારી કરવામાં આવી હતી.