દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી. કેજરીવાલની જામીન અરજી સામે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટનો આદેશ સુનાવણી સુધી હોલ્ડ પર રહેશે. એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટ કેસની સુનાવણી નહીં કરે ત્યાં સુધી કેજરીવાલ તિહાર જેલમાંથી મુક્ત નહીં થાય. ત્યારે આ મામલે દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન વિરુદ્ધ EDની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મંજૂરી આપી. હાઈકોર્ટે કહ્યું કે જ્યાં સુધી અમે કેસની સુનાવણી નહીં કરીએ ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અસરકારક રહેશે નહીં.

ASG રાજુએ કહ્યું કે, ‘લેખિત રજૂઆત કરવા માટે સમય ન આપવો બિલકુલ યોગ્ય નથી’. EDએ પીએમએલએની કલમ 45નો ઉલ્લેખ કર્યો છે. ASG રાજુએ કહ્યું કે અમારો કેસ ઘણો મજબૂત છે. તેમણે સિંઘવીની હાજરી સામે વિરોધ પણ દર્શાવ્યો. EDએ તેના SLPમાં કહ્યું છે કે તપાસના મહત્ત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ પદ પર છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા EDના વકીલે આજે જ હાઈકોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી. ED તરફથી એએસજી રાજુ અને વકીલ ઝોએબ હુસૈન હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. તેમજ કેજરીવાલ તરફથી અભિષેક મનુ સિંઘવી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. ઇડીના વકીલોની એક ટીમ રાઉઝ એવન્યુ કોર્ટ પણ પહોંચી હતી.