Pakistan ના આર્મી ચીફ અસીમ મુનીરના રાષ્ટ્રપતિ બનવાના દાવા પછી, પાક સેનાએ પણ પોતાનું નિવેદન બહાર પાડ્યું છે. પાક સેનાએ કહ્યું કે મુનીરનો હાલમાં આવી કોઈ યોજના નથી.
શું પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર હવે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે, શું મુનીરના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવાની પુષ્ટિ થઈ છે?… છેલ્લા ઘણા અઠવાડિયાથી પાકિસ્તાનમાં આ ચર્ચાઓ ચરમસીમાએ છે. આવા સમયે, પાકિસ્તાન સેનાનું એક મહત્વપૂર્ણ નિવેદન બહાર આવ્યું છે.
પાકિસ્તાન સેનાએ શું કહ્યું?
પાકિસ્તાન સેનાએ મુનીરના રાષ્ટ્રપતિ બનવાની અટકળોને નકારી કાઢી છે, તેને “પાયાવિહોણી” ગણાવી છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેઓ આગામી રાષ્ટ્રપતિ હશે. પાકિસ્તાની મીડિયામાં સમાચાર હતા કે આર્મી ચીફ અસીમ મુનીર આગામી રાષ્ટ્રપતિ બનવાની યોજના બનાવી રહ્યા છે. સેનાની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી હતી કે મુનીર રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને બદલવાની યોજના બનાવી રહ્યા છે.
શાહબાઝે મુનીરને ફિલ્ડ માર્શલનું બિરુદ આપ્યું હતું
બુધવારે, સરકારી ‘પીટીવી’ એ સોશિયલ મીડિયા પર સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરી દ્વારા ‘ધ ઇકોનોમિસ્ટ’ મેગેઝિન માટે આપવામાં આવેલ ઇન્ટરવ્યુ પોસ્ટ કર્યો. આમાં, ચૌધરીએ સ્પષ્ટતા કરી કે આર્મી ચીફ મુનીરને રાષ્ટ્રપતિ પદમાં કોઈ રસ નથી અને આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં મુનીરને “ફિલ્ડ માર્શલ…” નું બિરુદ આપ્યું હતું
ઝરદારીને બદલવાના સમાચાર આવ્યા હતા
પાકિસ્તાન સેનાએ કહ્યું હતું કે અસીમ મુનીરને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનવાની વાતો સંપૂર્ણપણે પાયાવિહોણી છે. અગાઉ 10 જુલાઈના રોજ, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ પણ રાષ્ટ્રપતિ ઝરદારીના પદ છોડવાની અફવાઓને નકારી કાઢી હતી અને તેને “દુર્ભાવનાપૂર્ણ અભિયાન” ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઝરદારીનો “સશસ્ત્ર દળોના નેતૃત્વ સાથે મજબૂત અને આદરપૂર્ણ સંબંધ છે”. નકવીએ ભાર મૂક્યો હતો કે મુનીરનું “એકમાત્ર ધ્યાન” પાકિસ્તાનની મજબૂતાઈ અને સ્થિરતા પર હતું અને “બીજું કંઈ નહીં”.