France: નેપાળમાં થયેલા યુવા આંદોલન બાદ હવે યુરોપીય દેશ ફ્રાંસમાં પણ સરકારની નીતિઓ સામે યુવાનોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે હજારો લોકો પેરિસ સહિત દેશભરના અનેક શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ખાસ કરીને યુવા વર્ગનું આંદોલન દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે અને પોલીસે 200થી વધુ લોકોને ધરપકડ કરીને પરિસ્થિતિ શાંત પાડવાના પ્રયાસ શરૂ કર્યા છે.

હિંસક વિરોધ પ્રદર્શન

દેખાવોનો મુખ્ય મુદ્દો સરકારની નીતિઓથી સામાન્ય લોકોના જીવન પર પડતી અસર છે. દેખાવકારોનું કહેવું છે કે, “સરકાર સામાન્ય લોકો માટે જીવનસ્તર સુધારવામાં નિષ્ફળ રહી છે. રોજિંદી જરૂરિયાતો માટે ખર્ચ વધી રહ્યો છે અને ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ પણ ખૂબ જ ખરાબ છે.” અનેક યુવાનોના મતે, મેક્રોન સરકાર અર્થતંત્રના નામે મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે પરંતુ સામાન્ય નાગરિકોની સમસ્યાઓ માટે પૂરતું ધ્યાન આપતી નથી.

કેવી રીતે શરૂ થયું આંદોલન?

આ દેખાવોની શરૂઆત સોશિયલ મીડિયા પરથી થઈ હતી. ‘Block Everything’ નામના હેશટેગ સાથે લોકોને સંગઠિત થવા માટે આહ્વાન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થી સંગઠનોએ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવીને લોકોને રસ્તા પર ઉતરવા પ્રેરિત કર્યા. થોડા જ સમયમાં હજારો લોકો પેરિસ સહિત અનેક શહેરોમાં એકત્ર થયા. તેઓએ રસ્તાઓ જામ કરી દીધા અને સરકાર સામે નારાબાજી શરૂ કરી.

આગચંપી અને તોડફોડ

આંદોલન દરમિયાન અનેક સ્થળોએ તોડફોડ અને આગચંપી પણ જોવા મળી હતી. કચરાના ડબા સળગાવવામાં આવ્યા, ટ્રાફિક જામ સર્જાયો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના બનાવો સામે આવ્યા. પોલીસ દ્વારા વારંવાર લોકોને શાંતિ જાળવવાની વિનંતી કરવામાં આવી હોવા છતાં કેટલાક દેખાવકારો બેકાબૂ બની ગયા હતા. પેરિસના કેટલાક વિસ્તારોમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણના દૃશ્યો જોવા મળ્યા, જેમાં અનેક લોકોને ઈજા પણ પહોંચી હોવાના અહેવાલ છે.

પોલીસે શરૂ કર્યા પગલાં

દેખાવકારોને શાંત પાડવા માટે ફ્રાંસ પોલીસે દેશભરમાં હજારો પોલીસકર્મીઓને તૈનાત કર્યા. 200થી વધુ લોકોને ધરપકડ કરવામાં આવી છે અને કેટલીક જગ્યાએ વધારાની સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, “કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. જ્યાં પણ તોડફોડ અને હિંસાના બનાવો સર્જાય છે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

સામાન્ય લોકોની મુશ્કેલીઓ

દેખાવોના કારણે સામાન્ય નાગરિકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામથી શહેરોની દૈનિક ગતિ અટકી ગઈ છે. શાળા અને કોલેજ સુધી પહોંચી શકતા નથી, ઓફિસ જતી વખતે લોકોને અવરોધનો સામનો કરવો પડે છે. ઉપરાંત, દુકાનો અને બજારો પણ બંધ રહેતા રોજગારી માટે સંઘર્ષ કરતા લોકો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની છે.

સરકારનું વલણ

સરકાર તરફથી શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે અને તમામ પક્ષોને સંવાદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મેક્રોન સરકારે લોકોને સમજાવવા માટે વિવિધ મંચો પર ચર્ચાઓ શરૂ કરી છે. તેમ છતાં, યુવાનો સરકારની નીતિઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક સુધારા અને સહાયની માંગ કરી રહ્યા છે.

આગળ શું?

ફ્રાંસમાં હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. પોલીસ દ્વારા નિયંત્રણ લાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ યુવાનોના વધતા જૂથોને કારણે પરિસ્થિતિ અસ્થિર બની શકે તેવી શક્યતા છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, સરકાર માટે હવે યુવાનો સાથે સંવાદ સ્થાપિત કરીને સામાજિક અને આર્થિક પ્રશ્નોના ઉકેલ શોધવા જરૂરી છે.

આંદોલન માત્ર ફ્રાંસ સુધી મર્યાદિત નથી રહેતું, પરંતુ વૈશ્વિક સ્તરે નીતિઓ સામે સામાન્ય લોકો અને યુવાનો વચ્ચે વધતા અસંતોષનું પ્રતિબિંબ બની રહ્યું છે.

આ પણ વાંચો