હરિયાણામાં શુક્રવારે રાત્રે શ્રદ્ધાળુને લઈ જતી બસમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. બસમાં મુસાફરી કરી રહેલા આઠ લોકો જીવતા સળગી ગયા હતા. આ સાથે જ,25થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આથી, આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બસમાં અચાનક આગની જ્વાળાઓ જોઈ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે, આ બનાવ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

અકસ્માતનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેઓ મથુરા અને વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બસમાં મુસાફરી કરી રહેલા પીડિત શ્રદ્ધાળુ સરોજ પુંજ અને પૂનમે જણાવ્યું કે, શુક્રવારે તેઓ પ્રવાસી બસ ભાડે કરીને બનારસ અને મથુરા વૃંદાવન દર્શન માટે રવાના થયા હતા. બસમાં 60 લોકો સવાર હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા.

તે બધા નજીકના સગા જ હતા. જેઓ પંજાબના લુધિયાણા, હોશિયારપુર અને ચંદીગઢના રહેવાસી હતા પૂનમે જણાવ્યું કે, તે શુક્રવાર રાત્રે દર્શન કરીને પરત ફરી રહી હતી. રાત્રે 1.30 વાગ્યાની આસપાસ બસમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. તેણે કહ્યું કે, તે આગળની સીટ પર બેઠી હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી તેમને કોઈક રીતે બચાવી લેવાયા હતા. જ્યારે મદદ માટે સ્થળ પર પહોંચેલા ગ્રામજનો સાબીર, નસીમ, સાજીદ, એહસાન વગેરેએ જણાવ્યું કે, તેઓએ રાત્રે લગભગ 1:30 વાગ્યે એક ચાલતી બસમાં આગ જોઈ હતી. તેણે બૂમો પાડી ડ્રાઈવરને બસ રોકવા કહ્યું, પરંતુ બસ ઉભી રહી ન હતી. ત્યારબાદ એક મોટરસાઇકલ સવાર યુવકે બસનો પીછો કરીને ડ્રાઇવરને આગ અંગે જાણ કરી હતી.

બસ ઊભી રહી ત્યાં સુધીમાં બસમાં લાગેલી આગ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી. ગ્રામજનોએ આગ ઓલવવા તમામ પ્રયાસો કર્યા હતા. પોલીસને પણ જાણ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે, પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી હતી. ત્યાં સુધીમાં બસમાં મુસાફરી કરી રહેલા લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાંથી 8ના મોત થયા હતા. તાવડુ સદર પોલીસ સ્ટેશને એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

દુર્ઘટનાની માહિતી મળતાં, જ પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજરાનિયા પણ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમણે ઘટનાની માહિતી લીધી હતી. આ સિવાય તાવડુના એસડીએમ સંજીવ કુમાર, તવડુ સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જિતેન્દ્ર કુમાર અને ડીએસપી વગેરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામ થયો હતો. ભારે જહેમત બાદ પોલીસે સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હાલ મૃતકોની ઓળખ થઈ નથી.