Earthquake in Pakistan : ભૂકંપના જોરદાર આંચકાથી પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાનના સમય અનુસાર સવારે 10.13 વાગ્યે અનેક પ્રાંતોમાં ધરતી ધ્રુજવા લાગી. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
પાકિસ્તાનમાં બુધવારે રાજધાની ઈસ્લામાબાદ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ માહિતી આપતા દેશના હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ‘યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે’ (USGS) અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.1 હતી. પાકિસ્તાન હવામાન વિભાગ (PMD) એ તેની તીવ્રતા 5.3 હોવાનું જણાવ્યું હતું.
ઈસ્લામાબાદમાં નેશનલ સિસ્મોલોજીકલ મોનિટરિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર, “એપીસેન્ટર અફઘાનિસ્તાનમાં હિંદુકુશ પર્વતમાળામાં 220 કિલોમીટરની ઊંડાઈએ હતું. USGS અને PMD બંનેએ પુષ્ટિ કરી કે ભૂકંપ સવારે 10:13 વાગ્યે આવ્યો હતો આવ્યા ભૂકંપના આંચકા બાદ લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપના આંચકા ખૈબર-પખ્તુનખ્વા, ઈસ્લામાબાદ અને પંજાબના વિવિધ વિસ્તારોમાં અનુભવાયા હતા. પાકિસ્તાનમાં વારંવાર ભૂકંપ આવે છે. 2005માં આવેલા પ્રચંડ ભૂકંપમાં 74,000થી વધુ લોકો માર્યા ગયા હતા.