Kolkataની મેડિકલ કોલેજમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરની બળાત્કાર અને હત્યાના મામલે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ પણ શનિવારે દેશભરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હડતાળની જાહેરાત કરી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાની અસર બાંગ્લાદેશમાં પણ જોવા મળી રહી છે. ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર પર થયેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો.
બાંગ્લાદેશમાં મહિલા ડોકટરોએ વિરોધ કર્યો
ઢાકા ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો છે કે “આવાઝ તોલો નારી” (મહિલાઓ, તમારો અવાજ ઉઠાવો) ના બેનર હેઠળ શુક્રવારે ઢાકા યુનિવર્સિટીમાં વિરોધ થયો હતો. ઢાકા ટ્રિબ્યુને જણાવ્યું હતું કે, “પશ્ચિમ બંગાળમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે બળાત્કારના કેસને લઈને અમે મેડિકલ કૉલેજ પ્રશાસનના અસહકારી વલણથી વાકેફ છીએ. મહિલાઓ તરીકે અમે આ ઘટનાનો સખત વિરોધ કરી રહ્યા છીએ.”
માનવશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થી અન્યા ફહમીને જણાવ્યું હતું કે, “સમગ્ર વિશ્વમાં મહિલાઓ બળાત્કારનો સામનો કરે છે, અને અમે કોલકાતાની આરજી કર હોસ્પિટલ કેસમાં ન્યાયી જવાબદારી માટે ચાલી રહેલા આંદોલનને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.”
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ બાદ સરકાર બદલાઈ
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ નોકરીમાં અનામતમાં ગેરરીતિઓ સામે વિરોધ કર્યો હતો. વિરોધ વચ્ચે શેખ હસીનાને બાંગ્લાદેશ છોડવું પડ્યું હતું. અત્યારે ત્યાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર ચાલી રહી છે.