Delhi election: દિલ્હીની તમામ 70 સીટો પર મતદાન થઈ રહ્યું છે. આજે 699 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થશે. પટેલ નગર અને કસ્તુરબા નગરમાં સૌથી ઓછા ઉમેદવારો છે, પાંચ-પાંચ, જ્યારે નવી દિલ્હી બેઠક પર 23 ઉમેદવારો છે.
દિલ્હી મતદાનની ટકાવારીઃ દિલ્હીમાં સવારે 10 વાગ્યા સુધી 8.10 ટકા મતદાન
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન માટે સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 10 વાગ્યા સુધી 8.10 ટકા મતદાન થયું હતું. AIMIMના ઉમેદવાર તાહિર હુસૈનની બેઠક મુસ્તફાબાદ પર 12.43 ટકા મતદાન થયું છે.
કેજરીવાલ, સિસોદિયા અને આતિશી ચૂંટણી હારી જવાના છે- રમેશ બિધુરી
કાલકાજી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ કહ્યું, “દિલ્હીના લોકો રાષ્ટ્રીય રાજધાનીના વિકાસ માટે મત આપવાના છે. તેઓએ છેલ્લા 10 વર્ષમાં દિલ્હીને બરબાદ કરી દીધી છે, પીએમ મોદી દેશની જેમ દિલ્હીનો વિકાસ કરવા માંગે છે. હું લોકોને દિલ્હીના વિકાસ માટે વોટ કરવાની અપીલ કરું છું. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આતિશી એ બધા ચૂંટણી હારી જવાના છે.
સીએમ આતિશીએ પોતાનો મત આપ્યો
દિલ્હીના સીએમ આતિશીએ પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘સત્ય અને અસત્યની આ લડાઈમાં મને આશા છે કે દિલ્હીના લોકો સત્યની સાથે ઊભા રહેશે, કામ કરશે અને ગુંડાગીરીને હરાવી દેશે.’
અગાઉ, કાલકાજી વિધાનસભા બેઠકના AAP ઉમેદવાર આતિશીએ દિલ્હી ચૂંટણી 2025 માટે પોતાનો મત આપતા પહેલા કાલકાજી મંદિરમાં પ્રાર્થના કરી હતી. કોંગ્રેસે કાલકાજી સીટ પરથી અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે તેના પૂર્વ સાંસદ રમેશ બિધુરીને આ સીટ પરથી ઉતાર્યા છે.