CPC: ચીનના શાસક કમ્યુનિસ્ટ પાર્ટી (CPC) ના વિદેશ વિભાગના વડા અને વરિષ્ઠ રાજદ્વારી લિયુ જિયાનચાઓને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ દાવો વોલ સ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં કર્યો છે. જોકે, ચીન દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અહેવાલ મુજબ, 61 વર્ષીય લિયુને જુલાઈના અંતમાં વિદેશ પ્રવાસથી બેઇજિંગ પરત ફર્યા બાદ અધિકારીઓ દ્વારા પૂછપરછ માટે લેવામાં આવ્યા હતા. લિયુને ચીનના સંભવિત ભાવિ વિદેશ પ્રધાન માનવામાં આવે છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના માનવામાં આવે છે.