Columbia: રવિવારે સવારે (સ્થાનિક સમય) મધ્ય કોલંબિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપ રાજધાની બોગોટાથી લગભગ 186 કિલોમીટર દક્ષિણપૂર્વમાં આવેલા પેરાટેબ્યુનો શહેરથી 17 કિલોમીટર ઉત્તરપૂર્વમાં આવ્યો હતો.

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપ સવારે 8:08 વાગ્યે 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. કોલંબિયન જીઓલોજિકલ સર્વિસે જણાવ્યું હતું કે થોડીવાર પછી તે જ વિસ્તારમાં 4 થી 4.6 ની તીવ્રતાના વધુ આંચકા અનુભવાયા હતા.

નેશનલ યુનિટ ઓફ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર માહિતી આપી હતી કે ઘણી નગરપાલિકાઓમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફોટા અને વીડિયોમાં બોગોટામાં લોકો તેમના કાર્યસ્થળો છોડીને સલામત સ્થળોએ જતા જોવા મળ્યા. ગ્રામીણ વિસ્તારોના વીડિયોમાં કોઈ નુકસાન જોવા મળ્યું નથી.

કોલંબિયા પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવેલું છે, જ્યાં ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ વારંવાર થાય છે.