China માં ફેલાતા નવા વાયરસથી સમગ્ર વિશ્વ તણાવમાં છે. લોકોને ડર છે કે ફરી કોરોના જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે અધિકારીઓ સાથે એક મોટી બેઠક પણ યોજી હતી.

ચીનમાં ફેલાતા નવા વાયરસને લઈને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આ મુદ્દે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ચીનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને WHOને પરિસ્થિતિ અંગે સમયસર અપડેટ્સ શેર કરવા વિનંતી કરવામાં આવી છે. ભારત શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- ચિંતા કરવાની જરૂર નથી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે લોકોને ચીનમાં HMPV (હ્યુમન મેટાપ્યુમો વાયરસ) ના ફેલાવાને લઈને શાંત રહેવા વિનંતી કરી છે. સરકારે કહ્યું કે ચીનમાં પરિસ્થિતિ “અસામાન્ય નથી” મંત્રાલયે કહ્યું કે અહેવાલ એ પણ દર્શાવે છે કે દર્દીઓમાં વર્તમાન વધારો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, આરએસવી અને એચએમપીવીને કારણે છે જે સિઝન દરમિયાન અપેક્ષિત સામાન્ય પેથોજેન્સ છે.

ભારત સરકાર નવા વાયરસને લઈને એલર્ટ
કેન્દ્રએ જણાવ્યું હતું કે ભારતમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) માટે પહેલેથી જ મજબૂત સર્વેલન્સ સિસ્ટમ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ICMR અને IDSP બંને નેટવર્કના ડેટાએ ILI અને SARI કેસની સંખ્યામાં કોઈ અસામાન્ય વધારો દર્શાવ્યો નથી. હૉસ્પિટલના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે સામાન્ય મોસમી ફેરફારોને બાદ કરતાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં શ્વસન સંબંધી બીમારીના કેસોમાં કોઈ વધારો થયો નથી.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ICMR એડેનોવાયરસ, આરએસવી, એચએમપીવી વગેરે જેવા અન્ય શ્વસન વાયરસ અને આ પેથોજેન્સ માટે પણ પરીક્ષણ કરે છે. પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં કોઈ અસામાન્ય વૃદ્ધિ જોવા મળી નથી. સાવચેતીના પગલા તરીકે, ICMR HMPV માટે પરીક્ષણ પ્રયોગશાળાઓની સંખ્યામાં વધારો કરશે.

જો તમને ખાંસી હોય, તો લોકોના સંપર્કમાં આવવાનું ટાળો
DGHSના ડાયરેક્ટર જનરલ ડૉ. અતુલ ગોયલે શુક્રવારે કહ્યું હતું કે HMPV એ અન્ય શ્વસન વાયરસ જેવો છે જે સામાન્ય શરદીનું કારણ બને છે. તેમણે લોકોને તમામ શ્વસન ચેપ સામે લેવામાં આવતી સામાન્ય સાવચેતી રાખવા વિનંતી કરી, એટલે કે જો કોઈને ઉધરસ અને શરદી હોય તો તેણે ચેપને ફેલાતો અટકાવવા માટે ઘણા લોકો સાથે સંપર્ક ટાળવો જોઈએ.