ઉત્તરાખંડ સરકાર દ્વારા ચાર ધામ તીર્થયાત્રીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે પણ ચારધામ યાત્રા પર નીકળ્યા છો તો આ સમાચાર ચોક્કસ વાંચો. ચાર ધામ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રાએ જતા યાત્રિકો માટે સૂચના જારી કરવામાં આવી છે કે હવે શ્રદ્ધાળુઓને VIP દર્શનની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારે VIP દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ હાલમાં 31 મે સુધી લાગુ કરવામાં આવ્યો છે. આ સિવાય પ્રશાસન દ્વારા ચાર ધામ માટે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચાર ધામ યાત્રા માટે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. 10 મેથી યાત્રા શરૂ થઈ ત્યારથી લાખોની સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચી રહ્યા છે જેના કારણે અન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાર ધામમાં લોકોની ભીડ વધી રહી છે. તેમની વચ્ચે મોટી સંખ્યામાં યુવાનો છે જેઓ ત્યાં એડવેન્ચર કરવા, વીડિયોગ્રાફી કરવા અથવા ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે આવી રહ્યા છે. આ કારણે અન્ય લોકો તેમને જોવા માટે એક જગ્યાએ એકઠા થાય છે. જેના કારણે અન્ય ભક્તોને મુશ્કેલી થાય છે.

આવી સ્થિતિમાં પ્રશાસને સૂચના જારી કરી છે કે ચાર ધામ મંદિરોની નજીક 50 મીટરની ત્રિજ્યામાં કોઈને પણ રીલ બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ આ વિસ્તારમાં કોઈને વિડિયો શૂટ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મતલબ કે હવે અહીં VIP દર્શન અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ઑફલાઇન રજિસ્ટ્રેશન 19 મે સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

10 મેથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. પહેલા 6 દિવસમાં જ 3 લાખથી વધુ લોકો ચારધામ દર્શન માટે પહોંચ્યા હતા, જેમાં વિદેશી પર્યટકો પણ સામેલ હતા. યાત્રા માટે રજીસ્ટ્રેશન 25 એપ્રિલથી શરૂ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવાર સુધી 27 લાખ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આટલી મોટી ભીડ ત્યાં પહોંચી જવાને કારણે પ્રશાસનને પણ યાત્રાના આયોજનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી હાલમાં રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે.