Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સોમવારે લિબરલ પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપી શકે છે. ધ ગ્લોબ એન્ડ મેલે રવિવારના રોજ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે જસ્ટિન ટ્રુડો આ અઠવાડિયે અથવા બીજા બે દિવસમાં પદ છોડી શકે છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો લાંબા સમયથી પાર્ટીમાં વધી રહેલા અસંતોષનો સામનો કરી રહ્યા છે. લિબરલ પાર્ટીના ઘણા નેતાઓ જસ્ટિન ટ્રુડોના ઘણા નિર્ણયોથી નાખુશ હોવાનું કહેવાય છે. કેનેડિયન અખબાર ધ ગ્લોબ એન્ડ મેલનો દાવો છે કે જસ્ટિન ટ્રુડો સોમવારે તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે.
ધ ગ્લોબ એન્ડ મેલ મુજબ, તાજેતરના ઓપિનિયન પોલમાં દર્શાવવામાં આવ્યું છે કે તેમની પાર્ટી પિયર પોઈલીવરેની કન્ઝર્વેટિવ પાર્ટીથી પાછળ રહી ગઈ છે. એટલું જ નહીં, જસ્ટિન ટ્રુડોને સત્તા પરથી હટાવવામાં પણ આવી શકે છે. સૂત્રોએ કહ્યું કે તેઓ જાણતા નથી કે ટ્રુડો તેમના રાજીનામાની જાહેરાત ક્યારે કરશે. પરંતુ એવી ધારણા છે કે તેઓ બુધવારે મહત્વની રાષ્ટ્રીય બેઠક પહેલા પદ છોડી શકે છે.