નવા વર્ષના પહેલા દિવસે સામાન્ય માણસની સરકાર તરફથી મોટી રાહત મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2025ના રોજ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. બુધવારથી 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર સસ્તું થયું છે. કોમર્શિયલ LPG સિલિન્ડર 14.50 રૂપિયા સસ્તું થયું છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કિંમતો સ્થિર છે.
જાણો કેટલો સસ્તો થયો કોમર્શિયલ સિલિન્ડર
19 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો આજથી એટલે કે 1લી જાન્યુઆરીથી લાગુ થઈ ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1804 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેને દિલ્હીમાં 1818.50 રૂપિયામાં વેચવામાં આવી રહી હતી. તે જ સમયે, તે મુંબઈમાં 1756 રૂપિયા, ચેન્નાઈમાં 1966 રૂપિયા અને કોલકાતામાં 1911 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
6 મહિના પછી ભાવમાં ઘટાડો
કોમર્શિયલ ગેસ સિલિન્ડર 6 મહિના બાદ સસ્તા થયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ જુલાઈથી ડિસેમ્બર સુધી સતત વધી રહ્યા હતા. 1 ડિસેમ્બર 2024ના રોજ આ સિલિન્ડરમાં 16.50 રૂપિયાનો વધારો થયો હતો. તે જ સમયે, 1 નવેમ્બરના રોજ તેમાં 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓક્ટોબરની વાત કરીએ તો પહેલી તારીખે તે રૂ. 48.50 મોંઘો થયો હતો. 1 સપ્ટેમ્બરે તેમાં 39 રૂપિયા અને 1 ઓગસ્ટ, 2024ના રોજ 6.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
ઘરેલું સિલિન્ડરના ભાવ
ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રસોડામાં ઉપયોગમાં લેવાતા ઘરેલુ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 1 માર્ચના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ઘરેલું ગેસ સિલિન્ડર 803 રૂપિયામાં મળે છે. જ્યારે, તે કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.