Bangladesh ની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર, મોહમ્મદ યુનુસ ચીનની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન, યુનુસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા. આ દરમિયાન, ચીને બાંગ્લાદેશ સાથે સંબંધો મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત થઈ છે. ચીનના ચાર દિવસના પ્રવાસે રહેલા યુનુસે બુધવારે હૈનાન પહોંચ્યા બાદ ‘બોઆઓ ફોરમ ફોર એશિયા’ વાર્ષિક પરિષદમાં હાજરી આપી હતી. ત્યારબાદ યુનુસ ગુરુવારે બેઇજિંગ પહોંચ્યા જ્યાં ચીનના નાયબ વિદેશ પ્રધાન સન વેઇડોંગે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. યુનુસે શી સાથેની તેમની મુલાકાત પહેલા ચીનને ચીની લોન પર વ્યાજ દર ઘટાડવા અને ચીની ભંડોળ પૂરું પાડતા પ્રોજેક્ટ્સ પર ફી માફ કરવાની અપીલ કરી.

યુનુસે સમર્થન માંગ્યું

બાંગ્લાદેશના વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, યુનુસે બોઆઓ ફોરમ ફોર એશિયા વાર્ષિક પરિષદ દરમિયાન ચીનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રીમિયર ડિંગ ઝુએક્સિયાંગ સાથેની મુલાકાતમાં વિકાસ પ્રોજેક્ટ્સ માટે ચીનનો ટેકો માંગ્યો હતો. ડિંગ સાથેની મુલાકાતમાં, યુનુસે કાપડ, ઇલેક્ટ્રિક વાહનો, હળવા મશીનરી, હાઇ-ટેક ઇલેક્ટ્રોનિક્સ, ચિપ ઉત્પાદન અને સૌર પેનલ ઉદ્યોગો સહિત ચીની ઉત્પાદન ઉદ્યોગોને તેમના દેશમાં સ્થાનાંતરિત કરવા માટે બેઇજિંગની મદદ માંગી.

ચીન સંપૂર્ણ સહયોગ આપશે

બાંગ્લાદેશના બદલાતા વાતાવરણ વચ્ચે ચીને ઢાકા સાથે સંબંધો મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશની સરકારી સમાચાર એજન્સી બીએસએસ દ્વારા ચીનના ઉપપ્રધાનમંત્રીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિ શી જિનપિંગ તમારી (યુનુસની) મુલાકાતને ખૂબ મહત્વ આપે છે.” ચીનના ઉપપ્રધાનમંત્રીએ યુનુસને કહ્યું કે તેમને આશા છે કે તેમના કાર્યકાળ દરમિયાન દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર સમૃદ્ધ થશે. ડિંગે જણાવ્યું હતું કે દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની સ્થાપનાના ૫૦ વર્ષ નિમિત્તે બેઇજિંગ બાંગ્લાદેશ સરકારને રોકાણ, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોના સંદર્ભમાં સંપૂર્ણ સમર્થન આપશે.

આ પણ જાણો

બાંગ્લાદેશના અખબાર ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, જાપાન, વિશ્વ બેંક અને એશિયન વિકાસ બેંક પછી ચીન બાંગ્લાદેશનો ચોથો સૌથી મોટો ધિરાણકર્તા છે, જેણે 1975 થી કુલ US$7.5 બિલિયનની લોન આપી છે.