Bangladesh: સોમવારે બાંગ્લાદેશ વાયુસેનાનું એક F-7 તાલીમ વિમાન કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું. વિમાન કોલેજ બિલ્ડિંગ સાથે અથડાયું. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં ૧૯ લોકોના મોત થયા છે, જ્યારે ૧૬૦ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માત સમયે માઇલસ્ટોન કોલેજમાં બાળકો હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ શાળા-કોલેજમાં અફડાતફડી મચી ગઈ હતી. ફાયર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.

નેશનલ બર્ન ઇન્સ્ટિટ્યૂટના અધિકારી પ્રોફેસર મોહમ્મદ સૈદુર રહેમાને જણાવ્યું હતું કે વાયુસેનાનું વિમાન માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. જેમાં વિમાનના પાઇલટ સહિત ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા છે. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ પણ ઘટનાની પુષ્ટિ કરી છે. માહિતી મળતાં, બાંગ્લાદેશ આર્મીના સભ્યો, ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી.

માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં વિમાન ક્રેશ થયું

બાંગ્લાદેશ આર્મી પબ્લિક રિલેશન્સ ઓફિસે જણાવ્યું હતું કે વાયુસેનાનું તાલીમ વિમાન F-7 BGI ઢાકાના ઉત્તરા ક્ષેત્રના દિયાબારી વિસ્તારમાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. ફાયર ઓફિસર લીમા ખાને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે તાલીમ વિમાન બપોરે લગભગ 1:06 વાગ્યે ઉડાન ભરી હતી અને ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. અકસ્માત પછી, વિમાનમાં આગ લાગી હતી. આગ બુઝાવવા માટે આઠ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન સ્કૂલના ગેટ પાસે ક્રેશ થયું હતું. જ્યાં વિમાન ક્રેશ થયું તે સ્કૂલ કેમ્પસમાં વર્ગો ચાલી રહ્યા હતા. ઘાયલોને એક પછી એક બહાર કાઢવામાં આવી રહ્યા છે.

વિમાન સ્કૂલ બિલ્ડિંગ સાથે અથડાયું

બાંગ્લાદેશી મીડિયા અનુસાર, એક પ્રત્યક્ષદર્શી સદમાન રુહસીને જણાવ્યું હતું કે વિમાન સ્કૂલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. સેના અને ફાયર સર્વિસના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા અને વિદ્યાર્થીઓ અને વાલીઓને સલામત સ્થળે લઈ ગયા. સેનાના જવાનો ઘાયલ વિદ્યાર્થીઓને તેમના હાથમાં બહાર કાઢતા જોવા મળ્યા હતા.

શાળાના એક શિક્ષકે જણાવ્યું કે જ્યારે વિમાન કોલેજ કેમ્પસમાં અથડાયું ત્યારે તે દસ માળની કોલેજ બિલ્ડીંગ પાસે ઊભો હતો. બપોરે 1 વાગ્યા પછી તરત જ, વિમાન તેની બાજુમાં આવેલી ત્રણ માળની શાળાની ઇમારતના આગળના ભાગમાં અથડાયું, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ અંદર ફસાઈ ગયા. કોલેજના શિક્ષકો અને સ્ટાફ વિદ્યાર્થીઓને બચાવવા દોડી આવ્યા. તેમણે કહ્યું કે મેં એક ઘાયલ વિદ્યાર્થીને બહાર કાઢ્યો અને એક મહિલા શિક્ષિકાને બળી ગયેલી હાલતમાં જોઈ.