જમ્મુ-કાશ્મીરમાં રિયાસી બાદ આતંકીઓએ ફરી એકવાર બે જગ્યાઓ પર હુમલો કર્યો છે. 48 કલાકમાં ત્રણ આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લામાં મંગળવારે ગોળીબાર કર્યો હતો જેના જવાબમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. હવે ડોડા જિલ્લાના છતરકલા વિસ્તારમાં આતંકીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો.
કઠુઆમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા છે. એડીજીપી જમ્મુએ એક આતંકવાદીને માર્યાની પુષ્ટિ કરી છે અને ઓપરેશન ચાલુ છે. આ પહેલા રવિવારે શિવ ઘોડી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી બસ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા.
ડોડામાં ભારતીય સેનાના ઓપરેટિંગ બેઝ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. ડોડાના દૂરના વિસ્તારમાં ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર આતંકીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 5 સૈનિક સહિત 1 પોલીસ અધિકારી ઘાયલ થયા છે. સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ડોડાના છત્તરગાલા વિસ્તારમાં આતંકીઓને ઘેરી લીધા બાદ ફાયરિંગ કરી હતી. ડોડા હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી છે.
રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસને નિશાન બનાવનાર આતંકવાદીઓનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે માહિતી આપનાર માટે ઈનામની પણ જાહેરાત કરી છે. રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કરનારા આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. સેના વિવિધ વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આતંકવાદીઓ વિશે કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ પોલીસે કેટલાક ફોન નંબર પણ જાહેર કર્યા છે જેથી લોકો તેમની માહિતી આપી શકે.