Asaram Bapu Bail: રાજસ્થાનના જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે અંતરિમ જામીન આપ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બીમાર ચાલતા આસારામ બાપુને સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન સુરતની લાજપોર જેલમાં બંધ તેમના પુત્રને પણ બીમારીના કારણે મળવા માટે ગુજરાત હાઇકોર્ટની મંજૂરી મળી હતી.
હવે સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને અંતરિમ જામીન આપ્યા છે. સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આસારામ બાપુને ત્રણ પોલીસકર્મીઓનો એસ્કોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શરત રાખવામાં આવી છે કે તેઓ પુરાવાઓ સાથે ચેડાં કરશે નહીં અને પોતાના અનુયાયીઓ સાથે સમૂહમાં મળવાની મંજૂરી પણ આપવામાં નહીં આવે.
જણાવી દઈએ કે, આ નિર્ણય ગુજરાતમાં બળાત્કારના એ કેસ સંદર્ભે આવ્યો છે, જેમાં તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જોકે, રાજસ્થાનમાં દાખલ એક સમાન કેસમાં તેઓ હજુ પણ કસ્ટડીમાં છે.
જાન્યુઆરી 2023માં, સત્ર અદાલતે આસારામ બાપુને 2013ના બળાત્કારના કેસમાં દોષી ઠરાવ્યો હતો. આ કેસ એ મહિલાએ નોંધાવ્યો હતો, જે આરોપના સમયે ગાંધીનગર નજીકના તેમના આશ્રમમાં રહેતી હતી.