Andhra Pradeshના અનાકાપલ્લેમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને માહિતી આપી છે. અહેવાલો અનુસાર, જિલ્લા કલેક્ટર વિજય ક્રિશ્નને જણાવ્યું હતું કે, અનાકાપલ્લે જિલ્લાના અચ્યુથાપુરમમાં એસિંટિયા એડવાન્સ્ડ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં બપોરે 2:15 વાગ્યે આગ લાગી હતી.
કલેક્ટરે કહ્યું, ‘ફેક્ટરી 381 કર્મચારીઓ સાથે બે પાળીમાં ચાલે છે. આ વિસ્ફોટ લંચ સમયે થયો હતો. જેથી કર્મચારીઓની હાજરી ઓછી હતી. જિલ્લા કલેક્ટરે આશંકા વ્યક્ત કરી છે કે વિસ્ફોટનું કારણ વીજળી સંબંધિત સમસ્યા હોઈ શકે છે.
30 થી વધુ ઘાયલ
અહીં, વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા 33 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને અનાકાપલ્લે અને અચ્યુતપુરમની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગના છ ફાયર ટેન્ડર બચાવ કામગીરી માટે સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
જિલ્લા કલેક્ટરે એજન્સીને જણાવ્યું કે યુનિટમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું છે કે મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર મૃત્યુ પામેલા કામદારોના પરિવારોની સાથે રહેશે.