ભારતમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીને લઈને રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં એક અમેરિકન એજન્સીના રિપોર્ટમાં ભારતની ધાર્મિક સ્વતંત્રતા પર ટિપ્પણી કરવામાં આવી છે. જેના પર હવે રશિયાના વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપી છે. રશિયાએ દાવો કર્યો છે કે અમેરિકા ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો અને દેશની આંતરિક રાજનીતિને અસંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
મીડિયા બ્રીફિંગમાં રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ યુએસ પર સવાલો ઉઠાવતા કહ્યું, ‘અમેરિકાએ ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુ સામેના નિષ્ફળ હત્યાના કાવતરામાં ભારતીય નાગરિકોની સંડોવણી અંગે હજુ સુધી “વિશ્વસનીય પુરાવા” પ્રદાન કર્યા નથી.’
‘અમેરિકા ભારતને સમજતું નથી’
ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પરની યુએસ એજન્સી (USCIRF)ના અહેવાલનો ઉલ્લેખ કરતા પ્રવક્તા ઝખારોવાએ કહ્યું કે અમેરિકામાં ભારતની રાષ્ટ્રીય માનસિકતા અને ઈતિહાસની સમજનો અભાવ છે. અમેરિકા ધાર્મિક સ્વતંત્રતા વિશે ‘પાયા વિનાના આરોપો’ લગાવી રહ્યું છે અને તે ભારતનું અપમાન છે.
ભારતે પણ આ અહેવાલનો વિરોધ કર્યો હતો
ભારતે યુએસસીઆઈઆરએફના રિપોર્ટ સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. ભારતે આ રિપોર્ટ પર નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) રાજકીય એજન્ડા સાથે પક્ષપાતી સંસ્થા તરીકે ઓળખાય છે. તેઓ વાર્ષિક અહેવાલના ભાગરૂપે ભારત વિશેના તેમના પ્રચારને પ્રકાશિત કરવાનું ચાલુ રાખે છે. અમને ખરેખર એવી કોઈ આશા નથી કે USCIRF ભારતના વૈવિધ્યસભર, બહુલવાદી અને લોકશાહી સારને સમજવાનો પ્રયાસ કરશે. વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાના તેમના દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ક્યારેય સફળ નહીં થાય.
રશિયા અને ભારત વચ્ચેના સંબંધો
ભારત રશિયાનો મોટો વેપારી ભાગીદાર છે. યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાના પ્રતિબંધો છતાં ભારતે રશિયા સાથેનો વેપાર ચાલુ રાખ્યો છે. જેના માટે તેને પશ્ચિમી દેશોની નારાજગીનો પણ સામનો કરવો પડ્યો છે. હવે રશિયાએ USCIRFના રિપોર્ટ પર ભારતનું સમર્થન કર્યું છે.