Bangladesh roll out the red carpet for Zakir Naik: બાંગ્લાદેશ હવે ભાગેડુ ભારતીય અને વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યું છે. મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે નાઈકના મહિનાભરના પ્રવાસને મંજૂરી આપી છે, જે તેમની બાંગ્લાદેશની પહેલી મુલાકાત છે. નાઈકની મુલાકાતનું સંચાલન કરવા માટે અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. તેઓ 28 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશમાં રહેશે, આ સમયગાળા દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઢાકામાં 2016માં હોલી આર્ટિસન બેકરી પર થયેલા આતંકવાદી હુમલા બાદ તત્કાલીન શેખ હસીના સરકારે ઝાકિર નાઈક અને તેમના ટીવી ચેનલ, પીસ ટીવી પર પ્રતિબંધ મૂક્યો હતો. આતંકવાદીઓએ બેકરીની અંદર 22 લોકોની હત્યા કરી હતી, જેમાંથી 17 વિદેશી હતા. બેકરી ઢાકાના એક પોશ વિસ્તારમાં આવેલી હતી અને નજીકમાં જ દૂતાવાસો છે. ઘણા આતંકવાદીઓ શ્રીમંત પરિવારોના હતા.
ઢાકા આતંકવાદી હુમલા પછી હુમલાખોરોમાંથી એકે ખુલાસો કર્યો કે તે યુટ્યુબ પર ઝાકિર નાઈક જોતો હતો અને તેના ઉપદેશોથી ખૂબ પ્રભાવિત હતો. ત્યારબાદ નાઈક ભારત છોડી ગયો. તેના પર ભારતમાં ભડકાઉ ભાષણો આપવાનો અને સંવાદિતા ભંગ કરવાનો પણ આરોપ છે. NIA એ તેની સામે UAPA હેઠળ કેસ દાખલ કર્યો હતો. હાલમાં તે મલેશિયામાં હોવાના અહેવાલ છે. ભારત વારંવાર તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે.
ગયા વર્ષે પાકિસ્તાને પણ ઝાકિર નાઈક માટે લાલ જાજમ બિછાવી હતી. તે પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મુઝમ્મલ ઇકબાલ હાશ્મીને મળ્યો હતો અને યુએસ દ્વારા નિયુક્ત આતંકવાદીઓ સાથે પણ મુલાકાતો કરી હતી. તેણે લાહોરની બાદશાહી મસ્જિદમાં હાશિમને ગળે લગાવ્યો હતો. ત્યારબાદ તેણે 150,000 લોકોના મેળાવડાને સંબોધિત કર્યો હતો.





