પાપુઆ ન્યુ ગિનીના એક ગામમાં ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનથી અનેક મકાનો ધરાશાયી થયા છે.
A huge landslide has struck a remote village in Papua New Guinea: ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પ (ABC) એ જણાવ્યું હતું કે, શુક્રવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનમાં 100 થી વધુ લોકોના મોતની આશંકા છે. એબીસીના અહેવાલ મુજબ, દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્રની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં ભૂસ્ખલન થયું હતું. આ અકસ્માત સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગ્યાની આસપાસ થયો હતો. વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે, મૃતકોની સંખ્યા 100થી વધુ હોઈ શકે છે. જોકે અધિકારીઓએ આ આંકડાની પુષ્ટિ કરી નથી.

સ્થાનિક લોકો બચાવકર્મીઓને મદદ કરી રહ્યા છે
ભૂસ્ખલનને કારણે ઘણા ગામડાઓમાં ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓ અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે.
પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપ આવ્યો હતો
ભૂસ્ખલન પહેલા પાપુઆ ન્યુ ગિનીના ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. આ ભૂકંપ ફિન્શાફેનથી 39 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. ભારતીય સમય અનુસાર, આ ભૂકંપ પાપુઆ ન્યુ ગિનીમાં ગુરુવારે સવારે 9.49 કલાકે આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ પણ પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપની પુષ્ટિ કરી છે. પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપથી નુકસાનના કોઈ અહેવાલ નથી.