Mumbaiની પ્રથમ ભૂગર્ભ મેટ્રો અથવા એક્વા લાઇનના પ્રથમ તબક્કામાં આરે કોલોની અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વચ્ચે સુરક્ષા મંજૂરી મળતાની સાથે જ ટ્રેનની કામગીરી શરૂ થશે. આરે કોલોની અને BKC વચ્ચેનો 12.5 કિલોમીટર લાંબો મેટ્રો માર્ગ 33.5 કિલોમીટર લાંબી કોલાબા-સીપ્ઝ-આરે મેટ્રો લાઇન-3નો ભાગ છે.

Mumbai: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરી શકે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલાબા-સીપ્ઝ-આરે વચ્ચેના 33.5 કિલોમીટર લાંબા અંડરગ્રાઉન્ડ મેટ્રો કોરિડોરમાંથી 12.5 કિલોમીટર લાંબા આરે કોલોનીથી બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ રૂટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કરશે. રાજ્યમાં અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે કરવાની શક્યતા છે. 

Mumbai: મેટ્રો ચાલવાનો સમય

આરે કોલોની અને BKC વચ્ચે આ મેટ્રો લાઇન પર 10 સ્ટેશન છે. મેટ્રો સવારે 6:30 થી 10:30 અને સપ્તાહના અંતે સવારે 8:30 થી 10:30 સુધી ચાલશે. આ લાઇન રોજિંદા મુસાફરોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને એરપોર્ટને કનેક્ટિવિટી પ્રદાન કરશે. એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, એક્વા લાઇન મુંબઈના દક્ષિણ, મધ્ય અને પશ્ચિમ ભાગોને જોડશે.

મેટ્રોનું ભાડું આટલું હશે

Mumbai મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC)ના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેના જણાવ્યા અનુસાર, આ લાઇન પર લઘુત્તમ ભાડું 10 રૂપિયા અને મહત્તમ 50 રૂપિયા હશે. જ્યારે કોલાબા-સીપ્ઝ-આરે કોરિડોર સંપૂર્ણ રીતે કાર્યરત થશે, ત્યારે મહત્તમ ભાડું રૂ. 70 હશે. કોરિડોરના પ્રથમ તબક્કામાં દરરોજ સાડા છ લાખ મુસાફરોને લઈ જવાની ક્ષમતા છે. ભિડેએ કહ્યું કે ટ્રેન ચલાવવા માટે 48 ડ્રાઈવર હશે, જેમાં 10 મહિલાઓનો સમાવેશ થાય છે. 

માહિતી અનુસાર, મુસાફરો પાસેથી 0-3 કિમી માટે 10 રૂપિયા, 3-12 કિમી માટે 20 રૂપિયા, 12-18 કિમી માટે 30 રૂપિયા અને 18 કિમીથી વધુના અંતર માટે 40 રૂપિયા કે તેથી વધુ ચાર્જ લેવામાં આવશે. મુસાફરોને ક્યૂઆર કોડ સાથે પેપર ટિકિટ આપવામાં આવશે. NCMC કાર્ડ ધીમે ધીમે લાગુ કરવામાં આવશે.

મે 2025 સુધી આખી લાઇન પર મેટ્રો દોડશે

મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC)ના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ મેટ્રો લાઇન-3 પર ટ્રેનની કામગીરી શરૂ થશે, કારણ કે હવે માત્ર કમિશનર ઑફ મેટ્રો રેલવે સેફ્ટી (CMRS)ની મંજૂરી મળવાની બાકી છે. ભિડેએ જણાવ્યું હતું કે આના પર લગભગ 93 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને કોલાબાથી આરે વચ્ચેની સમગ્ર લાઇન માર્ચ અથવા મે 2025 સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે.