Russia Earthquake: બુધવારે સવારે Russiaના પૂર્વીય ક્ષેત્ર કામચટકામાં 8.7 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. આ કુદરતી આફતની અસર અમેરિકા અને જાપાન સહિત કેટલાક દેશોમાં પણ અનુભવાઈ રહી છે. ભૂકંપ પછી રશિયન દરિયાકાંઠે સુનામીના વિશાળ મોજા જોવા મળ્યા હતા, જેની ઊંચાઈ 13 ફૂટ સુધી નોંધાઈ હતી. વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

કામચટકામાં આવેલા ભૂકંપ પછી Russiaસરકારના મંત્રી લેબેદેવે લોકોને પાણીના વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે. તે જ સમયે, યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ આગામી 3 કલાકમાં સુનામીના મોજાની ચેતવણી જારી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન ઉત્તરપશ્ચિમ હવાઇયન ટાપુઓ અને રશિયન દરિયાકાંઠાની નજીક મોજાઓની ઊંચાઈ 10 ફૂટ સુધી જઈ શકે છે.

આ સાથે, 3 ફૂટ ઊંચા સુનામીના મોજા ફિલિપાઇન્સ, ચુક, કોસરે, માર્શલ ટાપુઓ, પલાઉ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, 1 ફૂટથી વધુ ઊંચા મોજા દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા અને તાઇવાનના દરિયાકાંઠે પણ પહોંચવાની ધારણા છે. જાપાનના હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે સ્થાનિક સમય મુજબ રાત્રે 1 વાગ્યે 3.28 ફૂટ ઊંચા સુનામી મોજા દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી શકે છે.

કામચટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે ‘આજનો ભૂકંપ ખૂબ જ ગંભીર અને શક્તિશાળી હતો.’ તેમણે કહ્યું છે કે હાલમાં ભૂકંપને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. સુનામી ચેતવણી પછી, સખાલિન પ્રદેશના નાના શહેર સેવેરો કુરિલ્સ્કમાંથી લોકોને બહાર કાઢવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપ 19.3 કિમીની ઊંડાઈએ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ અવાચા ખાડી પર સ્થિત દરિયાકાંઠાના શહેર પેટ્રોપાવલોવસ્ક-કામચત્સ્કીથી 125 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું. યુએસ એજન્સી દ્વારા શરૂઆતમાં તીવ્રતા 8 હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તે 8.7 હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ખાસ વાત એ છે કે રશિયામાં, આ ઉપરાંત, વિલ્યુચિન્સ્કથી 131 કિમી દક્ષિણ-પૂર્વમાં 6.3 તીવ્રતાના ભૂકંપ નોંધાયા છે, અને પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કીથી 147 કિમી દક્ષિણ-પૂર્વમાં 6.9 તીવ્રતાના ભૂકંપ નોંધાયા છે.