Canadaમાં ફરી એક વખત ભારતીય મૂળની ૨૦ વર્ષની વ્યકિતની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. કેનેડામાં એક સપ્તાહ અંદર બીજું મોત થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડાના એડમોંટનમાં શુક્રવારે એક જૂથે સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરી રહેલા ૨૦ વર્ષીય ભારતીય મૂળની વ્યકિતની ગોળી મારી હત્યા કરી હતી.

Canada: આ હત્યા અંગે એડમોન્ટન પોલીસ સેવાએ બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી

આ હત્યા અંગે એડમોન્ટન પોલીસ સેવાએ બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. તેમના પર ભારતીય મૂળની વ્યકિત હર્ષદીપ સિંહની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય મૂળની ૨૦ વર્ષની વ્યકિતની હત્યાની માહિતી સીસીટીવી ફૂટેજથી સામે આવી છે. પોલીસને રાતે ૧૨.૩૦ વાગ્યે એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગની અંદર ગોળી ચલાવવાની માહિતી મળી હતી.

ઘટના સ્થળે પહોંચ્યા પછી પોલીસે હર્ષદીપને બેભાન અવસ્થામાં પડેલો મળી આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તેને હોસ્પિટલ લઈને ગઇ હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ત્રણ સભ્યોનું જૂથ એક વ્યકિત હર્ષદીપ સિંહને નીચે ધક્કો મારી રહ્યો છે. જ્યારે બીજો વ્યકિત તેને પાછળથી ગોળી મારતો જોઇ શકાય છે. એડમોન્ટન પોલીસ સેવાએ આ કેસમાં ઇવાન રેન અને જૂડિથ સોલ્ટોની ધરપકડ કરી છે. બંને આરોપીઓની ઉંમર ૩૦ વર્ષની આસપાસ છે. બંને પર પ્રથમ ડિગ્રી હત્યાના આરોપ મૂકવામાં આવ્યા છે. તપાસ દરમિયાન પોલીસે એક શસ્ત્ર પણ જપ્ત કર્યું છે.

ઉલ્લેખનીય છે કે હર્ષદિપ સિંહની હત્યાથી પહેલા રવિવારે લેમ્બટન કોલેજમાં પ્રથમ વર્ષના બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થી ૨૨ વર્ષીય ગુરસિસ સિંહની હત્યા કરવામાં આવી હતી.