Vadodaraના દરજીપુરા વિસ્તારમાં વહેલી સવારે દારૂના ચાલતા કટિંગ પર SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની ટીમ રેડ કરવા ગઈ તો બૂટલેગરોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસ દ્વારા સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામા આવ્યું હતું. ફાયરિંગની ઘટના બાદ 6થી 7 બુટલેગર નાસી છૂટ્યા હતા. જ્યાં 3 બુટલેગરની smcએ ધરપકડ કરી લીધી છે.

SMC પાસેથી મળતી માહિતી પ્રમાણે બાતમી મળી હતી કે વડોદરા શહેરના વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે ઉપર આવેલા દરજીપુરા બ્રિજની સામે ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં બૂટલેગર ઝુબેર શફીક મેમણ કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરી રહ્યો છે. આ પ્રકારની બાતમી મળતાં વહેલી સવારે 4.00થી 5.00 વાગ્યા વચ્ચે SMCની ટીમે સ્થળે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન બૂટલેગરોએ સ્ટેટ મોનિટરિંગની ટીમ ઉપર પથ્થરમારો કરતાં એસએમસીના પીઆઇ આર. જી. ખાટે બૂટલેગરની કન્ટેનર ગાડી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ ઉપરાંત અંદાજીત 22 લાખના દારૂ સહિત કુલ 60 લાખનો મુદ્દામાલજજપ્ત કરવામાં આવ્યો છે જેમાં એક ફોર્ચ્યુનર કાર અને એક કન્ટેનર પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે. ઘટનામાં નાસી છૂટેલા કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરવામા આવ્યા છે. જેમાં 3 બુટલેગરની smcએ ધરપકડ કરી લીધી છે. તમામ આરોપી અને મુદ્દામાલ હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.