Vadodara: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. માંજલપુરના ગણેશ મંડળની શ્રીજી પ્રતિમાની સ્થાપના દરમ્યાન મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યે મદાર માર્કેટ પાસે અજાણ્યા શખ્સોએ ઈંડા ફેંક્યા હતા. આ ઘટનાથી ગણેશ મંડળોમાં ભારે રોષ ફેલાયો હતો.

ઘટના બાદ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. થોડા જ કલાકોમાં એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની ઓળખ સુફિયાન મન્સૂરી અને શાહ નવાઝ ઉર્ફે બડબડ કુરેશી તરીકે થઈ છે. પોલીસે નવી પ્રતિમા સ્થાપિત કરવાની વ્યવસ્થા પણ તાત્કાલિક કરી હતી.

આજે પોલીસે બે આરોપીઓને તેમના જ વિસ્તારમાં, વાડીના ખાનગાહ મોહલ્લામાં, દોરડા વડે હાથ બાંધીને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન બંનેએ પોતે કરેલા કૃત્ય બદલ હાથ જોડીને માફી માંગી હતી.

ઘટનાના પગલે ગણેશ મંડળો સાથે સ્થાનિક ભાજપ કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે પોલીસે આરોપીઓને ઝડપથી પકડીને કડક પગલાં ભરવાની ખાતરી આપતા વાત શાંત થઈ ગઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.

વડોદરામાં વર્ષોથી ગણેશોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય છે. વિસર્જન યાત્રાઓ દરમિયાન પણ શાંતિ જળવાયેલી રહે છે અને ઘણીવાર કોમી એકતાના દ્રશ્યો જોવા મળે છે. ત્યારે આ અચાનક બનેલી ઘટના પોલીસ માટે પણ આશ્ચર્યજનક રહી. ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે સ્થળ પર જ 12 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી જલ્દી આરોપીઓને કાબૂમાં લેવામાં આવ્યા હતા.

શું હતી ઘટના?

મંગળવારે રાત્રે 10-15 લોકો શાંતિથી પ્રતિમા લઈ જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વોએ ઈંડા ફેંકીને પોલીસને પડકાર્યો હતો. જેના બાદ જે બિલ્ડિંગ પરથી ઈંડા ફેંકાયા હતા તેની લાઇટો અચાનક બંધ થઈ ગઈ હતી અને વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો.

સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે ઘટનામાં 7-8 સગીર અને 2-3 મોટા લોકો સામેલ હતા. લોકોની માંગ છે કે ધાર્મિક લાગણી દુભાવનારા સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવી હરકત ન કરી શકે.

આ પણ વાંચો