Vadodara: રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના આદેશથી શહેર પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયગાળા દરમિયાન 400 થી વધુ અસામાજિક તત્વો પોલીસના હાથે ઝડપાયા હતા. ખાસ કરીને 100 કલાકમાં કાર્યવાહી કરવાના આદેશ હેઠળ શહેર પોલીસ વિભાગે કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત શહેર પોલીસે 400થી વધુ અસામાજિક તત્વો અને ગુનેગારો સામે કાર્યવાહી કરી હતી. શહેર પોલીસ વિભાગે ખાસ એકશન પ્લાન બનાવી આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર રીલ પોસ્ટ કરીને અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી પણ શરૂ કરી છે.

વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી 400 થી વધુ અસામાજિક તત્વોની ધરપકડ કરી હતી. શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે વિવિધ વિસ્તારોમાં પહોંચી પોલીસે 400થી વધુ વાહનોનું ચેકિંગ કરી 55 વાહનો જપ્ત કર્યા હતા. પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ખળભળાટ મચી ગયો હતો.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ હુમલો કરીને ભયનો માહોલ સર્જ્યો હતો. આ પછી પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે પોલીસને રાજ્યભરના અસામાજિક તત્વોની યાદી બનાવવાનો આદેશ આપ્યો હતો.

પાટણ જિલ્લામાં પોલીસે 550 ગુનેગારોની યાદી તૈયાર કરી. તેમની સામે ખંડણી, વ્યાજખોરી, ખનીજ ચોરી, દારૂ, જુગાર, મિલકત સંબંધી અને મારપીટ જેવા બે કરતાં વધુ ગુના નોંધાયેલા છે. જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીએ કહ્યું કે જો આરોપીઓ દ્વારા કોઈ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોય તો તેને દૂર કરવા માટે પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવશે. ખોટી રીતે લીધેલા વીજ જોડાણો દૂર કરવામાં આવશે. LCB, SOG અને સ્થાનિક પોલીસના 50 જેટલા જવાનોએ સુદામા ચોકડી અને નવજીવન ચોકડી પર વાહનોનું ચેકિંગ કર્યું હતું. SOGની ટીમે ટીબી તીન રોડ પાસે કાળા કાચવાળી કારમાંથી છરી સાથે યુવકને પકડી પાડ્યો હતો.