Vadodara :  રાજ્યમાં ગુજરાત વીજ નિગમ (GSEB/GUVNL) દ્વારા ખાલી જગ્યાઓ માટે વર્ષ 2022માં એપ્રેન્ટીસોની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજ્યભરના અનેક યુવાનો સફળ થયા હતા. પરંતુ પરિણામ જાહેર થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની ભરતી કરવામાં આવી નથી.

ભરતી પ્રક્રિયા અટકીને બેકાર બેઠેલા આવા યુવાનોમાં ભારે નિરાશા અને આક્રોશ ફેલાયો છે. આ કારણે આજે વડોદરાના ઇલોરા પાર્ક ખાતે સ્થિત વીજ નિગમની વડીઘર કચેરીએ મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા. તેઓએ “અમને ન્યાય આપો”, “એપ્રેન્ટીસોની ભરતી કરો” જેવા બેનરો સાથે સૂત્રોચાર કરતાં ધરણાં આંદોલન કર્યું.

વારંવાર રજૂઆતો છતાં નિરાકરણ નહીં

વિજ નિગમ દ્વારા 2022માં રાજ્યની વિવિધ કચેરીઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. તેમાં અનેક જિલ્લાઓના બેકાર યુવાનો પાસ થયા હતા. પરંતુ અલગ-અલગ બહાના હેઠળ ભરતી પ્રક્રિયા અટકાવવામાં આવી રહી છે, એમ ઉમેદવારોનો આક્ષેપ છે.

પાસ થયેલા યુવાનો દ્વારા છેલ્લા બે વર્ષમાં અનેક વખત દેખાવો, ધરણાં અને આવેદનપત્રો આપીને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.

આજે ફરી ઊઠ્યો આક્રોશ

આજે ઇલોરા પાર્ક ખાતેની વીજ નિગમ વડી કચેરીએ ફરી એકવાર મોટી સંખ્યામાં એપ્રેન્ટીસો ભેગા થયા. હાથમાં બેનરો લઈને તેમણે સૂત્રોચાર કર્યા અને ભરતી શરૂ કરવા માટે દબાણ કર્યું. બેકાર યુવાનોનું કહેવું છે કે, “અમે પરીક્ષા પાસ કરીને લાયકાત સાબિત કરી છે. હવે ભરતી ન થવાને કારણે બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે. અમારી સાથે ન્યાય થવો જોઈએ.”

આગામી પગલાંની ચેતવણી

આંદોલનકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ નહીં થાય તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન કરશે અને કાનૂની લડત પણ લડશે.

આ રીતે 2022થી અટકેલી ભરતી પ્રક્રિયા ફરી ચર્ચામાં આવી છે. એક તરફ બેકાર યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ વીજ નિગમ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે આ મુદ્દો રાજ્યમાં રોજગાર માટે લલાયિત યુવાઓની પીડાનું પ્રતીક બની ગયો છે.

આ પણ વાંચો